નવી દિલ્હી, તા.૧૪: TCS એટલે કે ટેકસ કલેકશન એટ સોર્સ અને TDS એટલે કે ટેકસ ડિડકશન એટ સોર્સ…આ એવા ટેકસ છે જે Non-salaried કરદાતાએ ભરવો પડે છે.નાણા મંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત મુજબ ૧૪મી મે ૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૧ વચ્ચે નોન સેલરીડ કરદાતાઓ માટે ૨૫ ટકા સુધીની છૂટ આપવામાં આવી છે.તેનાથી તમારા ખિસ્સામાં વધુ રૂપિયા બચશે.જો સમજવું હોય તો આ રીતે સમજી શકાય.માની લો કે કોઈ ફર્મ એક પ્રોફેશનલની સેવાઓ લે છે અને બદલામાં તેને ફી ચૂકવે છે.આ પ્રોફેશનલને ફી તરીકે એક કરોડ રૂપિયા મળવાના છે.હાલના ટેકસ દર ૧૦ ટકા પ્રમાણે તે પ્રોફેશનલને આપવામાં આવનારી ફીમાંથી ૧૦ લાખ રૂપિયા ટીડીએસ તરીકે કપાશે અને તે પ્રોફેશનલના હાથમાં ફકત ૯૦ લાખ રૂપિયા આવશે પરંતુ નાણામંત્રીની જાહેરાત બાદ હવે તેના પર ૧૦ ટકા ટેકસ નહીં લાગે પરંતુ ૭.૫ ટકા ટેકસ લાગશે.આ રીતે ટીડીએસ કપાયા બાદ તે પ્રોફેશનલના હાથમાં ૯૨.૫ લાખ રૂપિયા આવશે એટલે કે ૨.૫ લાખ રૂપિયાની બચત થશે.એ જ રીતે કોઈને બેંકના વ્યાજના ૧૦ લાખ રૂપિયા મળ્યાં.વ્યાજ પર ૧૦ ટકા ટેકસ છે.તે હિસાબે તે મળેલી રકમ પર ૧ લાખ રૂપિયા ટીડીએસ કપાશે અને તેના હાથમાં ૯ લાખ રૂપિયા આવશે પરંતુ નાણામંત્રીની જાહેરાત બાદ મળેલી રકમ પર હવે ૭.૫ ટકા ટેકસ લાગશે અને ૭૫૦૦૦ રૂપિયા ટેકસ જ કપાશે.આમ તે વ્યકિતને ૯,૨૫,૦૦૦ રૂપિયા મળશે.એટલે કે ૨૫ હજાર રૂપિયા તેના હાથમાં વધુ રહેશે.અત્રે જણાવવાનું કે નવી રાહત જાહેરાતનો ફાયદો તમને ત્યારે જ મળશે જયારે તમે PAN કે આધારની ડિટેલ યોગ્ય આપી હશે.જો તમે આધાર કે PANની માહિતી યોગ્ય નહીં આપી હોય તો તમને કોઈ ફાયદો થશે નહીં.ઉલ્ટુ જાહેરાત અગાઉવાળો ટેકસ જ ભરવાનો વારો આવશે.