મોસ્કો, તા. 25. ફેબ્રુઆરી 2022 શુક્રવાર : રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાની આખી દુનિયામાં ટીકા થઈ રહી છે.દુનિયાના મોટાભાગના દેશો રશિયન રાષ્ટ્રપતિ પુતિનને વિલન ગણાવી રહ્યા છે ત્યારે રશિયામાં પણ પુતિનનો લશ્કરી કાર્યવાહી બદલ વિરોધ થઈ રહ્યો છે.
મળતી વિગતો પ્રમાણે રશિયાના 54 શહેરોમાં યુક્રેન પરના આક્રમણના વિરોધમાં દેખાવો થયા છે.1700 લોકોની પોલીસે અલગ અલગ શહેરોમાં અટકાયત કરી છે.
પુતિને યુક્રેન પર લશ્કરી કાર્યવાહીની મંજૂરી આપી હતી તે સાથે જ સોશિયલ મીડિયા પર રશિયાના લોકો વિરોધ કરવા માંડ્યા હતા.આવી સેંકડો પોસ્ટ સોશિયલ મીડિયા પર દેખાઈ રહી હતી.
મોસ્કોની એક્ટિવિસ્ટ તાત્યાના ઉસ્માનોવાએ સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે,હું તો યુક્રેન પર હુમલાની ખબર જોઈને હેરાન થઈ ગઈ હતી.હું યુક્રેનના લોકોની માફી માંગુ છું.
રશિયાના કેટલાક લોકોએ હુમલાને રોકવા માટે રાષ્ટ્રપતિ પુતિનને ઓપન લેટર લખ્યો છે અને ઓનલાઈન પિટિશન પર લોકો સહી કરી રહ્યા છે.
રશિયાના હ્યુમન રાઈટસ એડવોકેટ લેવ પોનોમેવયોવની પિટિશન પર સાડા ત્રણ લાખ રશિયન્સ સહી કરી ચુકયા છે.250 જેટલા પત્રકારોએ પુતિનને પત્ર લખીને આક્મરણનો વિરોધ કર્યો છે.250 વૈજ્ઞાનિકો પણ તેમાં જોડાયા છે.
મોસ્કો થીયેટરની ડાયરેકટર યેલેને કોવાલ્સકાયાએ પોતાની પોસ્ટ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરીને કહ્યુ છે કે, એક હત્યારા માટે કામ કરવુ મારા માટે શક્ય નથી.
રશિયામાં થઈ રહેલા દેખાવો સામે સરકાર કડક હાથે કામ લઈ રહી છે.સરકારે લોકોને કારણ વગર દેખાવો કરવા સામે ચેતવણી આપી છે અને સાથે સાથે મીડિયાને કહેવામાં આવ્યુ છે કે, રશિયાની સરકાર દ્વારા જાહેર કરાતા વિડિયો અને જાણકારીને જ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે.