કીવ, તા.28 માર્ચ 2022,સોમવાર : રશિયાએ ગત 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો અને ત્યારથી આ યુદ્ધ ચાલી રહ્યું છે.અત્યાર સુધીમાં રશિયા યુક્રેનના અનેક શહેરોને તબાહ કરી ચુક્યું છે. જો બાઈડને પોલેન્ડ ખાતે નિવેદન આપ્યું હતું કે,પુતિનને લાંબા સમય સુધી રશિયાની સત્તામાં ન રહેવા દઈ શકાય.ત્યારે અમેરિકી વિદેશ મંત્રીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે,તેમની આવી કોઈ જ યોજના નથી.પોપ ફ્રાંસિસે પણ ફરી એક વખત યુદ્ધ રોકવાની અપીલ કરી છે.તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆને રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી અને યુક્રેનમાં સંઘર્ષવિરામની આવશ્યકતા પર ભાર આપ્યો હતો.
રશિયાએ 2000 બાળકોની ચોરી કરી હોવાનો દાવો
યુક્રેનના રાષ્ટ્રપતિના રશિયન પત્રકારો સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે એક ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો હતો.ઝેલેન્સ્કીએ કરેલા દાવા પ્રમાણે રશિયાએ શહેરોમાંથી નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નો દરમિયાન મારિયુપોલમાંથી 2,000 બાળકોની ‘ચોરી’ કરી છે.
આ તરફ યુક્રેનના નાયબ વડાપ્રધાને રશિયાના કબજાવાળા ચેર્નોબિલ પાવર સ્ટેશનની આજુબાજુ બિનજવાબદાર કૃત્યોનો આરોપ લગાવ્યો છે.તે સમગ્ર યુરોપને વિકિરણથી પ્રભાવિત કરી શકે છે.જ્યારે યુક્રેની સેનાએ જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે રશિયાએ મહત્વપૂર્ણ નુકસાન સહન કર્યા બાદ કીવની આસપાસ રહેલા સૈનિકોને પાછા બોલાવ્યા છે.


