કીવ, તા. 13 માર્ચ 2022, રવિવાર : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને રશિયન સેના સતત હુમલાઓ કરી રહી છે.યુક્રેનના મોટા ભાગના શહેરો સળગી રહ્યા છે. તોપમારાના કારણે સરકારી ઈમારતો અને મકાનો તબાહ થઈ ગયા છે.આ બધા વચ્ચે ઝેલન્સ્કીએ પુતિનને વાતચીત માટે ઓફર આપી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 18મો દિવસ છે.યુક્રેને કરેલા દાવા પ્રમાણે તેણે ખેરસોન ખાતે બે રશિયન હેલિકોપ્ટર્સને તોડી પાડ્યા છે.આ તરફ રશિયાએ યુક્રેનના કીવ ઓબ્લાસ્ટ ખાતે સતત બોમ્બ વરસાવ્યા.આ ઉપરાંત રશિયન સૈનિકોએ કીવ ખાતે ગ્રીન કોરિડોર દ્વારા રેસ્ક્યુ કરી રહેલી મહિલાઓ પર અને બાળકો પર ગોળીબાર કર્યો જેમાં એક બાળક સહિત 7 લોકોના મોત થઈ ગયા.
Lviv ઓબ્લાસ્ટમાં 8 મિસાઈલ્સનો પ્રહાર
રશિયન સેનાએ યુક્રેનના Lviv ઓબ્લાસ્ટ ખાતે ઈન્ટરનેશનલ સેન્ટર ફોર પીસકીપિંગ એન્ડ સિક્યોરિટી મિલિટ્રી ટ્રેઈનિંગ બેઝ પર 8 મિસાઈલ્સ વડે હુમલો કર્યો છે.યુક્રેનના કહેવા પ્રમાણે આ હુમલામાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ.
દરેક શહેરમાં વાગી રહી છે એર રેડ સાઈરન
યુક્રેનના લગભગ દરેક ક્ષેત્રમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે અને ત્યાં એર રેડ સાઈરન વાગી રહી છે.યુક્રેનના ઉમાન,ખાર્કીવ, ક્રામટોર્સ્ક,સ્લોવિયનસ્ક,વિન્નિત્સિયા,કીવ,પોલ્ટાવા,જાઈટોમિર, ખમેલનિત્સ્કી,લ્વિવ,ઓડેસા,વોલિન,જાપોરિજ્ઝા,બેરેજ્વિકા,ઈજમેલ,કિલિયા,યુજને,ચેર્નોમોર્સ્ક,બિલાઈવકા અને અવદિવકા ખાતે સાઈરન સક્રિય કરી દેવામાં આવી છે.સાથે જ કીવ,રિવ્ને,ચર્નીહીવ,ટેરનોપિલ, ડીનિપ્રો,ચર્કાસી અને સુમી ઓબ્લાસ્ટ ખાતે લોકોને તાત્કાલિક મેટ્રો શેલ્ટરમાં જવા માટે કહેવામાં આવ્યું છે.
રશિયન સૈનિકો માટે બોડી બેગની સોંપણી
યુદ્ધ વચ્ચે રેડ ક્રોસનું કામ ચાલું છે.તેણે યુક્રેનને રશિયન સૈનિકો માટે બોડી બેગ સોંપ્યા છે જેથી તેમના શબ પાછા મોકલી શકાય.જોકે યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોની સ્વદેશવાપસી મામલે હજુ સુધી કોઈ સમજૂતી નથી થઈ શકી.
ઝેલેન્સ્કી પુતિન સાથે વાત કરવા તૈયાર
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે,તેઓ ઈઝરાયલ ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.પરંતુ તેના માટે એક શરત રાખવામાં આવી છે કે, સીઝફાયર બાદ જ વાતચીત સંભવ છે.ઝેલેન્સ્કીએ જણાવ્યું કે,તેમણે ઈઝરાયલી વડાપ્રધાન નફ્તાલી બેનેટને કહ્યું કે,તેઓ જેરૂસલેમ ખાતે પુતિનને મળવા માટે તૈયાર છે.બેનેટે પુતિન સાથે મુલાકાત માટે મોસ્કોની મુલાકાત લીધી હતી.