નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2022, શનિવાર : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શુક્રવારે યુક્રેન પરના રશિયન હુમલાને રોકવા અને સેનાને પાછી બોલાવવા માટેના પ્રસ્તાવ પર મતદાન થયું હતું.આ દરમિયાન રશિયાએ પ્રસ્તાવ પર વીટો કર્યો હતો.સુરક્ષા પરિષદના 5 સ્થાયી સદસ્યોમાં રશિયાનો પણ સમાવેશ થાય છે.આ તરફ ભારત,ચીન અને યુએઈ દ્વારા હુમલાની નિંદા કરવામાં આવી હતી પરંતુ મતદાનમાં હિસ્સો નહોતો લેવામાં આવ્યો.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન પરના હુમલાના વિરોધમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના સમર્થનમાં 15માંથી 11 સદસ્ય દેશોએ વોટ આપ્યો હતો. જ્યારે રશિયાએ આ પ્રસ્તાવ સામે વીટોનો ઉપયોગ કર્યો હતો.પહેલેથી જ એવું માનવામાં આવતું હતું કે,પ્રસ્તાવને ફગાવી દેવા માટે રશિયા વીટોનો ઉપયોગ કરી શકે છે.આ તરફ ભારત,ચીન અને યુએઈએ મતદાનમાં હિસ્સો નહોતો લીધો.જ્યારે પશ્ચિમી દેશોએ કહ્યું કે,આ પ્રસ્તાવ યુક્રેન સામે આક્રમણ અને કાર્યવાહી માટે રશિયાને વૈશ્વિક મંચ પર અલગ દેખાડવાનો પ્રયત્ન છે.
યુક્રેનના ઘટનાક્રમથી ભારત પરેશાન- ટી.એસ. તિરૂમૂર્તિ
સુરક્ષા પરિષદમાં ભારતના પ્રતિનિધિ ટી.એસ. તિરૂમૂર્તિએ કહ્યું- યુક્રેનમાં તાજેતરમાં બનેલા ઘટનાક્રમથી ભારત ખૂબ જ પરેશાન છે.અમે વિનંતી કરીએ છીએ કે,હિંસા અને શત્રુતાને તાત્કાલિક સમાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવે.નાગરિકોના જીવનની સુરક્ષા માટે હજુ સુધી કોઈ સમાધાન નથી કાઢવામાં આવ્યું.અમે ભારતીય સમુદાયના કલ્યાણ અને સુરક્ષાને લઈ ચિંતિત છીએ જેમાં યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સામેલ છે.એ વાતનું દુખ છે કે,કૂટનીતિનો રસ્તો છોડી દેવામાં આવ્યો છે.આપણે તેના પર પાછા ફરવું પડશે.આ તમામ કારણોસર ભારતે આ પ્રસ્તાવથી અંતર જાળવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિંડા થોમસ ગ્રીનફીલ્ડે જણાવ્યું કે,અમારા માળખાકીય સિદ્ધાંતો પર રશિયા દ્વારા કરવામાં આવેલો હુમલો ખૂબ જ નફ્ફટાઈ અને બેશરમીભર્યો છે.તે અમારી આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે જોખમી છે.
ભારત પર સૌની નજર
રશિયા ભારતનું સૌથી જૂનું રણનૈતિક સાથીદાર ગણાય છે.તેવામાં સૌની નજર ભારત પર અટકી હતી કે તે રશિયા વિરૂદ્ધ મત આપે છે કે નહીં.જોકે ભારતે રશિયા વિરૂદ્ધ મતદાનમાં હિસ્સો નહોતો લીધો.
આ દેશોએ રશિયા વિરૂદ્ધ મત આપ્યો
રશિયા વિરૂદ્ધ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કરનારા દેશોમાં અમેરિકા,બ્રિટન,ફ્રાંસ,અલ્બાનિયા,બ્રાઝિલ,ગૈબૉન,ઘાના,આયરલેન્ડ,કેન્યા,મેક્સિકો અને નોર્વેનો સમાવેશ થાય છે.
રશિયાએ આ પ્રસ્તાવ સામે વીટોનો ઉપયોગ કર્યો હતો જ્યારે ભારત,ચીન અને યુએઈ મતદાનથી દૂર રહ્યા હતા.