- ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ વારાણસીથી મઉ પહોંચી હતી અને રાજીવ રાયને તેમના ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા
નવી દિલ્હી,તા.18 ડિસેમ્બર,શનિવાર : ઉત્તર પ્રદેશના મઉ ખાતે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાયના ઘરે ઈન્કમ ટેક્સ વિભાગે શનિવારે સવારના સમયે દરોડો પાડ્યો છે.સવારના 7:00 વાગ્યાથી તેમના ઘરે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ દરમિયાન તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ વારાણસીથી મઉ પહોંચી હતી. આ દરમિયાન સપાના કાર્યકરોએ બરાબરનો હંગામો કર્યો હતો.હંગામાના કારણે તે સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે.દરોડાની કાર્યવાહી દરમિયાન સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રાયને તેમના ઘરમાં જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે.
સવારે આશરે 7:00 કલાકે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ શહેર કોતવાલીના સહાદતપુરા ખાતે રાજીવ રાયના ઘરે પહોંચી હતી.સપાના કાર્યકરોને આ અંગે અણસાર આવતાં જ તેઓ રાજીવ રાયના ઘરની બહાર એકઠાં થવા લાગ્યા હતા અને બરાબરનો હોબાળો કર્યો હતો.ત્યાર બાદ ત્યાં પોલીસ બોલાવવામાં આવી હતી.

