નવી દિલ્હી : તા.04 જૂન 2022 શનિવાર : કહેવાય છે કે સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવો જોઈએ નહીં જ્યાં સુધી તેને જાતે જોઈ ના લઈએ પરંતુ ઘણીવાર લોકો એવી ભૂલ કરે છે અને પછી શરમજનક સ્થિતિમાં મૂકાઈ જાય છે.એવુ જ થયુ છે ઝારખંડના રહેવાસી 24 વર્ષીય દિવ્યાની સાથે,જેમણે યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવવાનો દાવો કર્યો હતો.જોકે,હવે તેમના પરિવાર તરફથી કહેવામાં આવ્યુ છે કે દિવ્યા પાંડેય નહીં પરંતુ દક્ષિણ ભારતની રહેવાસી કોઈ દિવ્યા પી એ પરીક્ષા પાસ કરી છે,જેને પોતાની દિકરી સમજીને તેઓ જશ્ન મનાવી રહ્યા હતા.
દિવ્યા પાંડેના પરિવારે દાવો કર્યો હતો કે તેમની દિકરીએ પહેલા પ્રયત્નમાં સિવિલ સેવા પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે પરંતુ શુક્રવારે તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને સેન્ટ્રલ કોલફીલ્ડ્સ લિમિટેડની માફી માગી.કેમ કે તેમના આ દાવા બાદ બંનેએ દિવ્યાને સન્માનિત કર્યા હતા.સાથે જ મીડિયાએ આ સમાચાર ટોપમાં ચલાવ્યા.પરિવારજનોએ સફળતાની ખોટી જાણકારી આપવાના સંબંધમાં કહ્યુ કે અજાણતા ભૂલ થઈ હતી.દિવ્યા પાંડે તરફથી માફી માગતા તેમના પરિવારના સદસ્યોની સાથે-સાથે તેમના પાડોશીઓએ કહ્યુ કે આ વાસ્તવમાં દક્ષિણ ભારતની દિવ્યા પી છે,દિવ્યા પાંડે નથી જેમણે યુપીએસસી પરીક્ષામાં 323 મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.દિવ્યા પાંડેની બહેન પ્રિયદર્શની પાંડેએ કહ્યુ કે તેમની બહેનને ઉત્તર પ્રદેશમાં રહેતા તેમના મિત્રએ માહિતી આપી હતી કે તેમણે યુપીએસસીમાં 323મો રેન્ક મેળવ્યો છે.જે બાદ તેમણે યુપીએસસીની વેબસાઈટ પર રિઝલ્ટ જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઈન્ટરનેટ ચાલ્યુ નહીં,જે કારણે તેમણે પોતે રિઝલ્ટ જોયુ નહીં અને તેમની વાત પર વિશ્વાસ કરીને જાહેરાત કરી દીધી.આ એક અજાણતા ભૂલ થઈ હતી.

