અમેરિકાના ઇન્વેન્ટરી ડેટા અને ઓપેક દ્વારા આગામી મહિનામાં ઉત્પાદન કાપ અંગે નવેસરથી વિચારણા કરવામાં આવે તેવી સંભાવનાઓ પાછળ વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં ફરીથી ઝડપી સુધારો જોવાયો હતો. અમેરિકન ક્રૂડ એટલે કે WTIના ભાવ 25 ટકા ઊછળીને બેરલે 15.58 ડોલરની સપાટીએ ટ્રેડ થતાં હતા. છેલ્લા બે દિવસમાં ભાવમાં 40 ટકાથી વધુનો સુધારો જોવાયો છે. WTIની પાછળ બ્રેન્ટ ક્રૂડના ભાવ 12 ટકા વધીને 24.63 ડોલરની સપાટીએ ટ્રેડ થતાં હતા. WTIનો જુન કોન્ટ્રાક્ટમાં પણ તોફાની ટ્રે્ન્ડ જોવાયો છે. આ કોન્ટ્રાક્ટ બે દિવસ પહેલાં સિંગલ ડિજીટમાં પહોંચી ગયો હતો જે અમેરિકાના ઇન્વેન્ટરીના ડેટા જાહેર થવા પહેલાં ફરીથી સુધર્યો છે.
અમેરિકાના ડેટા જો નીચા રહેશે તો WTIમાં ટૂંકા ગાળાની મંદી અટકવાનો અંદાજ મૂકવામાં આવતો હતો. અમેરિકાના જીડીપીના ડેટા 2008 પછી સૌથી ઝડપથી નીચે આવ્યા હોવાના અહેવાલની ક્રૂડના ભાવ પર અસર નહોતી. જ્યારે બીજી તરફ સોનાના ભાવમાં ઊંચા મથાળે તેજી બ્રેક લેતી હોય તેવું વાતાવરણ હતું. વૈશ્વિક સોનું 11 ડોલર ઘટીને 1700 ડોલર સ્પોટમાં ટ્રેડ થતું હતું તો ચાંદી સ્થિર રહીને 15.17 ડોલર ક્વોટ થતી હતી. વૈશ્વિક પ્રવાહની પાછળ સ્થાનિક વાયદામાં સોનું રૂ.371 ઘટીને તો ચાંદી 268 વધીને ટ્રેડ થતાં હતા. સ્થાનિકમાં સોનાનો ભાવ રૂ.47,500-47,700ની આસપાસ અંદાજનો મૂકાતો હતો. અમેરિકાના નીચા આર્થિક ડેટાને કારણે સોનાની માગને પણ અવળી અસર થવાની ગણતરી હતી.