-RBIને સંપૂર્ણ તપાસની જવાબદારી, જવાબદાર પરિબળને શોધી કાર્યવાહી થશે: નિર્મલા સીતારમન
-વિતેલા 13 મહિનાથી બેન્ક કામગીરીમાં સામેલ ન હતો, તેથી કોઇ જાણકારી નથી: બેન્કના સ્થાપક રાણા કપૂર
એજન્સી, નવી દિલ્હી:
Yes Bank પર પ્રતિબંધ અને Withdrawal Limit નક્કી કર્યાના ઠીક એક દિવસ પછી નાણામંત્રી નિર્મલા સીતારમને મહત્વની પત્રકાર પરિષદ યોજી બેન્કના ગ્રાહકો એમજ કર્મચારીઓને રાહતના સમાચાર આપ્યા છે. આ અંગે ભારતીય રિઝર્વ બેન્કે પણ એની વેબસાઇટ પર Yes Bankના રિસ્ટ્રક્ચરિંગ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી છે. દેશની સૌથી મોટી બેન્ક SBIએ પણ Yes Bankમાં 49%ની ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી હતી.
નિર્મલા સીતારમને આશ્વાસન આપતા કહ્યુ કે ભારતીય રિઝર્વ બેન્ક આ કેસની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને આ માટે જવાબદાર પરિબળને શોધી લઇ કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ બેન્કના રિસ્ટ્રક્ચરિંગ પછી નવા બોર્ડની રચના કરવામાં આવશે. જેને લઇને RBIએ તેની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી પણ આપી છે. જોકે આ બાબતે બેન્ક ડિપોઝિટ્સ અને ગ્રાહકો પર કોઇ અસર નહિ પડે એવી ખાતરી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. નાણામંત્રીએ એક વર્ષ સુધી બેન્કના તમામ કર્મચારીઓની નોકરીઓ અને સેલરી પણ સુરક્ષિત રહેશે એવી ખાતરી આપી હતી.
બીજી તરફ ખાનગી બેન્કના સ્થાપક અને ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર રાણા કપૂરે આ મુદ્દે હાથ અદ્ધર કરતા બેન્કની કાર્યવાહી વિશે કંઇ જાણતા ન હોવાની વાત કહી છે. રાણા કપૂરના કહેવા પ્રમાણે વિતેલા 13 મહિનાથી બેન્કની કામગીરીમાં તેઓ સામેલ નથી, આથી તેઓને બેન્કમાં કરાયેલા ફેરફારો વિશે કોઇ જાણકારી નથી.