વારાણસી : ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લાની પોલીસે ગૂગલ સીઈઓ સુંદર પિચઈ સહિત 18 લોકોની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાના કથિત વીડિયોને લઈને ફરિયાદ દાખલ કરી છે.જોકે,બાદમાં કેસથી ગૂગલના અધિકારીઓના નામ હટાવી દીધા હતા.એક પોલીસ અધિકારીએ કહ્યું કે સુંદર પિચઈ અને ગૂગલના ત્રણ અધિકારીના નામ તપાસ બાદ એફઆઈઆરથી હટાવી દીધી છે.આ મામલામાં ફરિયાદ કરનારે દાવો કર્યો છે કે ઓક્ટોબરમાં વોટ્સએપ પર એક વીડિયો આવ્યો હતો,જેમાં વડાપ્રધાનની વિરુદ્ધ મર્યાદાની બહાર જઈને ટિપ્પણી કરવામાં આવી હતી. બાદમાં આ વીડિયો યૂટ્યૂબ પર પાંચ લાખથી વધુ લોકોએ જોયો હતો.ફરિયાદ કરનારે કહ્યું કે વીડિયો પર વાંધો વ્યક્ત કરવા પર તેને 8500થી વધુ ધમકી ભર્યા ફોન કોલ આવ્યા હતા.ભેલૂપુર પોલીસ સ્ટેશનમાં છઠ્ઠી ફેબ્રુઆરીના દાખલ એફઆઈઆરમાં સુંદર પિચઈ સિવાય સંજય કુમાર સહિત ગૂગલના ત્રણ અધિકારીઓના નામ હતા.જોકે,બાદમાં ગૂગલના અધિકારીઓના નામ હટાવી લેવામાં આવ્યા હતા.બીજી તરફ,ગૂગલ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ મામલામાં ગાજીપુરના એક ગાયકનુ નામ પણ સામેલ છે.

