સંસદમાં રાહુલ ગાંધી અનુરાગ ઠાકુર વચ્ચે ગરમાગરમી : લોકસભામાં હોબાળો
નવી દિલ્હી તા. ૧૬ : લોકસભામાં આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય નાણાં રાજય મંત્રી અનુરાગ ઠાકુર વચ્ચે લોકસભામાં ચકમચ ઝરી હતી. રાહુલ ગાંધીએ પ્રશ્નકાળ દરમિયાન બેંકિંગ ફ્રોડનો મુદ્દો ઉઠાવતા બંને નેતાઓ સામ સામે આવી ગયા હતાં.રાહુલ ગાંધીએ બેંકિંગ ફ્રોડનો મુદ્દો ઉઠાવતા મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને ૫૦ સૌથી વિલફૂલ ડિફોલ્ટ્રર્સના નામ જાહેર કરવા કહ્યું હતું.તો જવાબમાં રાજય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે,૫૦ લાખ રૂપિયાથી વધારાના ડિફોલ્ટ કરનારા તમામ લોકોના નામ વેબસાઈટ પર છે જ.આ દરમિયાન અનુરાગ ઠાકુરે યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂર અને પ્રિયંકા ગાંધી વચ્ચેના પેંટિંગ સોદાને લઈને પણ ટોણોં માર્યો હતો.રાહુલ ગાંધીએ આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સવાલ કર્યો હતો કે,ભારતીય અર્થ વ્યવસ્થા ખુબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે.આપની બેંકિંગ વ્યવસ્થા કામ નથી કરી રહી.બેંક નિષ્ફળ જઈ રહી છે અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં બેંકો વધારે ડૂબી શકે છે.તેનું મુખ્ય કારણ બેંકોના પૈસાની ચોરી છે.તેમણે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે,મેં સવાલ કર્યો હતો કે,૫૦ વિલફૂલ ડિફોલ્ટર્સ હિંદુસ્તાનમાં કોણ છે? પરંતુ મને તેનો જવાબ મળ્યો નથી.તેનો ફેરવી ફેરવીને જવાબ આપવામાં આવ્યો.વડાપ્રધાન કહે છે કે,જે લોકોએ હિંદુસ્તાનના બેંકોની ચોરી કરી છે તેમને પકડી લાવીશ,મેં વડાપ્રધાનને પુછ્યું કે,એ ૫૦ લોકો છે કોણ? રાહુલ ગાંધીના આ સવાલનો જવાબ આપતા કેન્દ્રીય રાજય નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે,૨૫ લાખ રૂપિયા કરતા વધારે ડિફોલ્ટ કરનારા તમામ લોકોના નામ સીઆઈસીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે જ.આ કંઈ છુપાવવાની વાત છે જ નહીં.કેટલાક લોકો પોતે કરેલા પાપો બીજાના માથે ઢોળવા માંગે છે.૨૫ લાખથી વધારે ડિફોલ્ટ કરનારા તમામ લોકોના નામ સીઆઈસીની વેબસાઈટ પર છે.તેમાં કંઈ છુપાવવા જેવુ નથી.તમે ઈચ્છો તો હું તે વાંચી સંભળાવી શકુ છું.તમારા શાસનકાળમાં જે લોકો પૈસા લૂંટીને ભાગી ગયા તેમના વિરૂદ્ઘ મોદી સરકારે કાર્યવાહી કરી અને ૪ લાખ કરોડથી પણ વધારે રૂપિયા પાછા લાવી.અમારી સરકારે જ તેમની પ્રોપર્ટી જપ્ત કરી લીધી.અનુરાગ ઠાકુરે રાણા કપૂર અને પ્રિયંકા ગાંધી વચ્ચે ૨ કરોડ રૂપિયાની પેટિંગને લઈને થયેલા સોદાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સદનના સદસ્યો કહે તો હું પેટિંગની વાત કરૃં. હું અહીં રાજનીતિ નથી કરવા માંગતો. પેટિંગ કોણે વેચી? અને પૈસા કોના ખાતામાં ગયા?