। ગાંધીનગર ।
સવા બે વર્ષમાં મતદારો સાથે દ્રોહ, કોંગ્રેસમાં ગદ્દારી કરનારા પાંચ ધારાસભ્યોના રાજીનામાથી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ પહેલા હવે ત્રીજી વખત પેટા ચૂંટણી નિશ્ચિત છે. ગતવર્ષે નવેમ્બરમાં છ બેઠકોની પેટા ચૂંટણીમાં પક્ષપલ્ટુઓને કારણે ભાજપને ત્રણમાં હારનો સામનો કરવો પડયો હતો. આથી, આ વખતે રાજીનામુ આપે તેને એ જ મતક્ષેત્રમાં કમળના મેન્ડેટ સાથે ટિકિટ આપવાના વચનને બદલે ભાજપે રોકડિયો હિસાબ કર્યો છે.
ભાજપના ટોચના નેતાએ કહ્યું કે ”ગતવર્ષે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા અને તે પહેલા ઓગસ્ટ- ૨૦૧૭માં શંકરસિંહ સાથે કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા અધિકાંશ ધારાસભ્યોને ભાજપે ચૂંટણીમાં ઉતાર્યા હતા. એકાદ અપવાદને બાદ કરતા રાજ્યસભા ચૂંટણીઓ વખતે ધારાસભ્યપદ છોડનારા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાંથી જીતી શક્યા નથી. ગતવર્ષે અલ્પેશ- ધવલને કારણે થરાદ જેવા ભાજપના ગઢમાં કોંગ્રેસે કબ્જો જમાવ્યો અને અમદાવાદમાં શહેરી મતદારો ધરાવતી અમરાઈવાડી બેઠક મેળવતા આંખે પાણી આવી ગયુ હતુ. જેના કારણે લોકસભા- ૨૦૧૯માં ૨૬ બેઠકો ઉપર ત્રણ- ત્રણ લાખથી વધુ મતોના ર્માિજન ઉપર પાણી ફરી વળ્યું છે.
આથી, રાજ્યસભા- ૨૦૨૦ની ચૂંટણીમાં મદદ કરવા કોંગ્રેસમાંથી રાજીનામા આપનારા પાંચેય ધારાસભ્યોને આવનારી પેટા ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ આપવા કોઈ જ કમિટમેન્ટ થયુ નથી. આ વખતે ભાજપ પોતાના ઉમેદવારો પૈકી જે જીતી શકે તેમને જ ચૂંટણીમાં ઉતારશે” મુળ ભાજપના અનેક સિનિયરોને મંત્રીમંડળમાં તો દૂર પણ બોર્ડ- નિગમોમાં પણ સ્થાન મળ્યુ નથી. કોંગ્રેસના પેરાશુટોને ધારાસભ્ય ન હોવા છતાંયે સીધા જ કેબિનેટમાં બેસડતા પહેલાથી અંદરખાને ભડકો છે ત્યારે હવે ભાજપે હવે પદ સિવાય બીજા વિકલ્પોના અવેજથી સોદાબાજી શરૂ કરી છે.
કોંગ્રેસને તોડવામાં ત્રણ પેરાશૂટ મંત્રી, પ્રદેશ અધ્યક્ષ, ઉમેદવારનો ‘હાથ’ !
વિસ્તારના કામોના નામે મંત્રીઓની ચેમ્બરોમાં બેસાડીને નીકટતા કેળવી, આંતરિક ખટપટ જાણી વિપક્ષની જુથબંધી સંદર્ભે મિડીયામાં નિવેદનો કરી માહોલ ઉભો કરવાની મોડસ ઓપરેન્ડીમાં ભાજપ કોંગ્રેસને તોડવામાં ફરી એકવાર સફળ રહ્યુ છે. આ વખતની તોડફોડમાં કોંગ્રેસમાંથી ભાજપ ભેગા થયેલા ત્રણેય પેરશુટ મંત્રીઓ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા ચૂંટણીમાં ત્રીજા ઉમેદવારનો હાથ રહ્યો છે.
પ્રદ્યુમનસિંહ જાડેજા । મુળ ભાજપમાંથી આવતા કોંગ્રેસના આ MLA મહાત્મા મંદિરમાં ઓગસ્ટ- ૨૦૧૯માં રૂપાણી સરકારની ત્રીજી વર્ષગાંઠના સેલિબ્રેશન સ્ટેજ પર ચઢીને Cસ્ને શાલ ઉઢાડી, હાર પહેરાવી ગળે મળ્યા હતા. તેઓ રાજ્યસભા ચૂંટણી વખતે ભાજપ ભેગા થશે તે પહેલાથી સ્પષ્ટ હતુ. રાજીનામા પાછળ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો હાથ હોવાનું કહેવાય છે.
મંગળ ગાવિત । કોંગ્રેસના વફાદાર આ MLA ત્રણ દિવસથી ગાયબ હતા.ડાંગમાં મોન્સુન ફેસ્ટિવલ વખતે કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સાથે મૂલાકાત બાદ તેમણે ભાજપ વિરોધનો શઢ બદલ્યો અને હવે રાજીનામું આપ્યુ.
જે.વી.કાકડિયા । ધારીના આ MLAના પુત્ર સુરતમાં રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે,ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સુરતના નેટવર્કને કામે લગાડી રાજીનામુ પડાવ્યાની બિલ્ડર્સ લોબીમાં ચર્ચાય છે.
પ્રવિણ મારૂ । ગઢડાના આ MLAને તોડવા ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન કામે લાગ્યા હતા.
સોમા પટેલ । કોળી સમાજમાંથી આવતા લીંબડીના MLAનો સોદો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યાનું બહાર આવ્યું છે.
BJPના હારેલા MLAમાં સળવળાટ શરૂ થઈ ગયો
પાંચેય બેઠકો ખાલી થતા કોંગ્રેસ સામે હારેલા ભાજપના પૂર્વ MLAમાં ઝાડ પડયાને જગ્યા થયાનો સળવળાટ શરૂ થયો છે. લીંબડીથી પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણા, ગઢડાથી આત્મારામ પરમાર, ધારીથી દિલિપ સંઘાણી અને ડાંગના પૂર્વ MLA વિજય પટેલ ડિસેમ્બર ૨૦૧૭માં ચૂંટણી હાર્યા હતા. પેટા ચૂંટણીમાં ભાજપ આ જૂના જોગીઓને રિપિટ કરશે કે નવા ચહેરા ઉતારશે તેના દાવપેચ શરૂ થઈ ગયા છે.