દુનિયા આખી કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહી છે અને આ મહાસંકટમાંથી કેવી રીતે બહાર આવી શકાય તે દિશામાં પ્રયાસ કરી રહી છે. જ્યારે બીજી બાજુ અમેરિકા અને ચીન વચ્ચે કોરોનાને લઈને શરૂ થયેલુ વાકયુદ્ધ હવે દક્ષિણ ચીન સમુદ્ર સુધી પહોંચી ગયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આ વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવી રહ્યાં છે તો હવે ચીને આરોપ લગાવ્યો છે કે, કોરોનાના મહાસંકટ વચ્ચે અમેરિકા દક્ષિણ ચીન સાગરમાં પોતાના એરક્રાફ્ટ મોકલી રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આજે બુધવારે કહ્યું હતું કે, ચીન હાલ કોરોના વાયરસની મહામારીનો સામનો કરવા માટે દુનિયાના જુદા જુદા દેશોની વિવિધ રીતે મદદ કરી રહ્યું છે. જ્યારે બીજી બાજુ અમેરિકા પોતાના જંગી યુદ્ધ જહાજ અને એરક્રાફ્ટ દક્ષિણ ચીન સાગરમાં મોકલી રહ્યું છે, જે ચીનની સંપ્રભુતાને ખુલ્લો પડકાર છે. અમે ઈચ્છીએ છીએ કે અમેરિકા પહેલા પોતાના ઘરમાં ફેલાયેલીએ મહામારીનો સામનો કરે.
ચીને કહ્યું છે કે, અમે અમેરિકાને પણ સતત મદદ પહોંચાડી રહ્યાં છીએ. અમે થોડા સમય પહેલા જ ન્યૂયોર્કમાં મોટી સંખ્યામાં વેંટિલેટર મોકલી આપ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ચીન સાગર પર ચીન પોતાનો પ્રભાવ વધારતુ જાય છે. જેને લઈને અમેરિકા સહિતના દુનિયાના અનેક દેશ ચીનને આડેહાથ લે છે. જેને લઈને ચીન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જે કોરોનાના ગંભીર સંકટ વચ્ચે પણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો.