ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે ચીન બાદ ઈરાન, ઈટાલી, સ્પેન બાદ હવે અમેરિકાને પોતાનું નિશાન બનાવ્યું હોય તેવુ લાગે છે. મહાશક્તિ અમેરિકા પણ કોરોના વાયરસ સામે લાચાર નજરે પડી રહી છે. માત્ર ગઈ કાલે બુધવારે જ અમેરિકામાં 24 જ કલાકમાં 223 લોકોના મોત થતા સનસનાટી મચી જવા પામી હતી.
અમેરિકામાં કોરોના વાઈરસના સંક્રમણના કેસ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અહીં બુધવારે કોરાના વાઈરસના કારણે 223 લોકોએ જીવ ગુમાવ્યો છે. 593 દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 68203 નોંધાયા છે.
ઈટાલીમાં હાહાકાર યથાવત
ઈટાલીમાં કોરોના વાયરસે મચાવેલો હાહાકાર હજી પણ યથાવત છે. અહીં અત્યાર સુધીમાં 7503 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 683 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં 5210 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસ 74386 થયા છે. તેવી જ રીતે ઈટાલીમાં ક્વારેન્ટાઈનનો ભંગ કરનારને જેલમાં મોકલી દેવામાં આવી રહ્યા છે.
સ્પેનમાં 24 જ કલાકમાં 656 લોકોને કોરોના ભરખી ગયો
સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 656 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક 3647 પહોંચી ગયો છે જે ચીન કરતા પણ વધારે છે. સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો રિપોર્ટ પણ બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેમની તબીયત છેલ્લા ચાર દિવસથી ખરાબ હતી. ઘરમાં આઈસોલેશનમાં રહીને જ સરકારી કામકાજ કરી રહ્યા હતા. સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેની સાથે કામ કરનાર દરેક વ્યક્તિને ક્વારેન્ટાઈનમાં રહેવાનો આદેશ કર્યો છે.
આમ ઈટાલી અને સ્પેન બાદ હવે અમેરિકામાં પણ કોરોના વાયરસ કાળો કહેર વર્તાવી રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસે વેરેલા વિનાશને લઈને ડૉનાલ્ડ ટ્રમ્પ પણ ચિંતામાં મુકાઈ ગયા છે.