કલેક્ટરની મંજૂરી વિના મકાન લે-વેચ કરી શકાશે નહીં
ખંભાત,તા.૨૫
ખંભાત શહેરમાં રવિવારે ફાટી નીકળેલા તોફાનોના બે દિવસ બાદ અજંપાભરી શાંતિ રહી હતી. ખંભાતની હાલની સ્થિતિને જોતાં ત્યાં અશાંતધારો લાગુ કરવાની ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. આનો સીધો મતલબ એ થયો કે ખંભાતમાં હવેથી કોઈ પણ મકાનની લે-વેચ કરતાં પહેલાં જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. અમદાવાદના ટ્રાફિક ડીસીપીને હંગામી ધોરણે આણંદ એસપી તરીકે મુકવામાં આવ્યા છે. આરએએફ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ૪૭ તોફાનીની ધરપકડ કરાઈ છે.
ખંભાતની અંદર વણસેલી પરિસ્થિતિની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી હોવાનું જણાવી પ્રદીપસિંહે ઉમેર્યું છે કે, ખંભાત શહેર અને જિલ્લાની મોટાભાગની પોલીસ એસસીબી,એસઓજી સહિતનો પોલીસ કાફલો ખંભાતમાં ખડકી દેવાયો છે. રેન્જ આઈ.જી એ.કે જાડેજા અને હંગામી એસપી દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ઉપરાંત આરએએફ અને એસઆરપીની ટુકડીઓ પણ ફૂટપેટ્રોલિંગ કરી રહી છે. જો કે, ખંભાતમાં ડેમોગ્રાફિક સ્થિતિ બદલાવાને કારણે અશાંતધારો લાગુ કરવાની ઘણા સમયથી માગણી હતી.
હિન્દુ સમુદાય દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને લઈને ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં ટોળાઓ એકત્ર થયા હતા અને હિન્દુ સમુદાયના વિવિધ સંગઠનોના કાર્યકરો દ્વારા એકત્ર થયેલા લોકોને સંબોધવામાં આવ્યા હતા. અને ત્યારબાદ રેલી આવેદનપત્ર આપવા માટે નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની તત્વો પોલીસની હાજરીમાં બેફામ બન્યા હતા અને પથ્થરમારો શરુ કરી દીધો હતો. તેમજ પથ્થરમારા બાદ એક મકાનને આગ ચાંપી હતી. તેમજ બાઈકો અને સ્કુટરોને આગ ચાંપી સળગાવી દીધા હતા.તેમજ એક ધાર્મિક સ્થાન પર પથ્થરમારો કર્યો હતો. અને કેબીનોની તોડફોડ કરી માલસામાન સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રેપીડએક્સના ફોર્સના જવાનોએ તોફાની તત્વોને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ લખાઈ રહ્યું છે ત્યારે પણ મામલો તંગ છે અને લોકોના ટોળાઓ એકત્ર થયેલા છે.
શહેરમાં અસામાજીક તત્વો દ્વારા છાશવારે હિન્દુ સમાજની કરાતી કનડગતનો વિરોધ કરી આવા તત્વોની સામે કાયદેસરના પગલા ભરી સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
હિન્દુ સમુદાય દ્વારા ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અહીયા વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલા અને કનડગત બાબતે રેલી સંબોધી હતી અને ત્યારબાદ એકત્ર થયેલા હિન્દુઓએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રેલીમાં જાડાયેલા લોકોએ પથ્થરમારો કરી મકાનો અને વાહનોને આગચંપી શરુ કરતા પોલીસ દ્વારા રેલીને વીખેરી દેવામાં આવી હતી અને રેપીડએક્શન ફોર્સ અને એસઆરપીના જવાનોએ સમગ્ર શહેરમાં પેટ્રોલીંગ સઘન કરી દીધું હતું.
ખંભાતના અકબરપુર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કોમી દંગલ ફાટી નીકળ્યા હતા. રવિવારે બપોરે જૂની અદાવતને પગલે બે કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા. જેમાં બે કોમનાં ઘરોમાં પથ્થરમારો કરી તોડફોડ અને આગચંપી કરાઈ હતી. સોમવારે આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ નહસિંહભાઈ ઘાયલ થયા હતા. તો ગેસ ગોડાઉન વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી.
તો કોમી રમખાણો બાદ ખંભાતમાં હિન્દુ સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગત રાત્રિએથી જ બંધના એલાનના મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેને કારણે સવારથી જ ટાવર ચોક પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ રોડ પર ઉતરી ન્યાયની માગ કરી હતી.
ખંભાતમાં કોમી રમખાણનાં પગલે એસઆરપીની ૩ ટુકડી, આરએએફની ૧ ટીમ, ૩ ડીવાયએસપી, ૭ પીઆઈ સહિતનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ૧૧ પીએસઆઈ સહિત પોલીસ ટીમ દ્રારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અકબરપુરા હિંસા કેસમાં પોલીસે ૯૮ લોકો સામે ગુનો નોંધી ૪૮ની ધરપકડ કરી છે. સળગાવાયેલા મકાન, વાહનો સહિતના મિલકતોનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. આ અથડામણમાં એકનું મોત અને ૧૩ ઘાયલ થયા હતા.
ખંભાતમાં અશાંતધારો લાગુ કરાશે : પ્રદિપસિંહ જાડેજા

Leave a Comment