– ‘લેન્ડ કોન્ફ્લિક્ટ વૉચ’નો રિપોર્ટ : સરકાર-પ્રજા વચ્ચે જમીનની ખેંચતાણ
– સવા છ લાખ હેક્ટરથી વધારે જમીન પરના 75 લાખથી વધુ લોકોને અસર : સંઘર્ષમાં ગુજરાતનો ત્રીજો નંબર
વિવિધ સરકારી યોજના માટે જમીન હસ્તાંતરણ કરવી એ કોઈ પણ સરકાર માટે માથાનો દુ:ખાવો છે. કેમ કે પેઢીઓથી જમીન પર ખેતી-વાડી કરતા કે રહેતા લોકો આસાનીથી જમીન છોડવા રાજી નથી હોતા. પરિણામે જમીન મેળવવા માટે સંઘર્ષ થાય છે અને ઘણા કિસ્સામાં સરકાર અને પ્રજા વચ્ચેની જમીનનો વિવાદ કોર્ટમાં દાયકાઓ સુધી સલવાયેલો રહે છે.
આવી સંઘર્ષમય જમીનો કેટલી છે અને તેની સામાજિક આર્થિક અસર શું થાય તેનો અભ્યાસ દર વર્ષે લેન્ડ કોન્ફ્લિક્ટ રિપોર્ટમાં રજૂ થાય છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાત આવી માથાકૂટોમાં દેશમાં ત્રીજો ક્રમ ધરાવે છે. ગુજરાતથી વધારે સંઘર્ષ ધરાવતા બે રાજ્યો છે, ઉત્તર પ્રદેશ (72) અને ઓડિશા (49).
આ વર્ષના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ 62 મોટા જમીન હસ્તાંતરણ વિવાદ ચાલે છે. જેના કારણે ત્યાં થયેલું અથવા થવા જઈ રહેલું 96,581 કરોડનું રોકાણ ફસાઈ ગયું છે. ગુજરાતમાં જમીન સંઘર્ષનું મોટુ ઉદાહરણ બુલેટ ટ્રેન છે.
બુલેટ ટ્રેન માટે બધા ખેડૂતો જમીન આપવા તૈયાર નથી થયા. જ્યાં સુધી બધી જમીન મળી ન જાય ત્યાં સુધી બુલેટ ટ્રેન માટે થયેલું રોકાણ આર્થિક રીતે સ્થિર થઈ જાય અને તેની અર્થતંત્ર પર વિપરિત અસર થતી હોય છે.
ગુજરાતમાં આ સંઘર્ષને પરિણામે કુલ 75 લાખ, 60 હજાર લોકોને અસર થઈ રહી છે. એટલે કે કેસમાં આટલા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. આ સંઘર્ષ કુલ 6,29,882 હેક્ટર વિસ્તારમાં ચાલી રહ્યો છે.
સરકાર ગમે તેટલી નીતિ-રીતી સુધારે પરંતુ જમીન હસ્તાંતરણની પ્રક્રિયા અટપટી અને પ્રજાને છેતરામણીનો અહેસાસ કરાવે તેવી છે. પરિણામે દર વર્ષે જમીન સંઘર્ષના કેસ ઉમેરાતા જાય છે. જેમ કે 2017માં નવા દસ, જ્યારે 2018માં 9 નવા કેસ નોંધાયા હતા.
આ કેસ માત્ર જમીન હસ્તાંતરણના નથી. ગ્રામવાસીઓને પોતાના હક્કની જમીન નથી મળતી તેના કેસો પણ ચાલે છે. જેમ કે દેવભૂમિ દ્વારકાના 2754 ગામ પાસે ગૌચરની જમીન ન હોવાથી સંઘર્ષ ચાલે છે. ક્યાંક સેઝની સ્થાપના કરવી છે, તો ક્યાંક આદિવાસીઓ કે સ્થાનિક રહેવાસીઓ પોતાની જંગલ જમીન માગી રહ્યા છે.
સમગ્ર દેશમાં 17 લાખ કરોડ અટવાયા!
આ રિપોર્ટ આખા દેશને ધ્યાનમાં રાખીને તૈયાર થાય છે. રિપોર્ટ પ્રમાણે અત્યારે દેશના 17 લાખ કરોડ રૂપિયા આવા સંઘર્ષને કારણે અટકી પડયા છે. દેશમાં કુલ 722 લેન્ડ કોન્ફ્લિક્ટના કિસ્સા નોંધાયા છે, જેનાથી 68 લાખ લોકોને જ્યારે 2.39 કરોડ હેક્ટરથી વધારે જમીનને અસર થઈ રહી છે. લદ્દાખ અને નોર્થ ઈસ્ટમાં મ્યાનમાર સરહદે આવેલો કેટલોક વિસ્તાર એવો છે, જ્યાં જમીનનો કોઈ વિવાદ નથી. બાકી લગભગ આખો દેશ વિવાદથી ઘેરાયેલો છે. આખા દેશના તમામ કેસોમાં સૌથી વધુ 43 ટકા (300 કેસ) ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર (વિકાસ કાર્યો)ને લગતા છે.