નવી દિલ્હી, 2 એપ્રિલ 2020, ગુરુવાર
આસ્થા અને ધાર્મિક દ્રષ્ટિએ હિંદૂ ધર્મમાં રામ નવમીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના રોજ આ પર્વ ઉજવાય છે. આ દિવસે પુનર્વસુ નક્ષત્રમાં અને કર્ક લગ્નમાં ભગવાન રામનો જન્મ થયો હતો. આ વર્ષે આ તિથિ 2 એપ્રિલના રોજ આવી છે. પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે દેશભરમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે નહીં. પરંતુ ઘરમાં રહી અને આ રીતે રામનવમી તમે ઉજવી શકો છો.
રામનવમીના દિવસે સવારે વહેલા જાગી જવું અને સ્નાનાદિ કર્મ કરી નિવૃત થઈ જવું. સ્વસ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રત કર્યાનો સંકલ્પ કરવો. પૂજા કરવા માટે તુલસીનો ઉપયોગ અચૂક કરવો કારણ કે શ્રીરામ વિષ્ણુ ભગવાનના અવતાર હતા.
ઘરના મંદિરમાં બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી અને ભગવાન શ્રીરામની તસવીર રાખો. પૂજા શરુ કરવા માટે સૌથી પહેલા શ્રીરામ પર ગંગાજળનો છંટકાવ કરો. ત્યારબાદ થોડા ચોખા રાખી તેના પર તાંબાનો કળશ મુકો અને તેના પર એક કોડીયામાં ચાર વાટનો દીવો પ્રગટાવો.
રામનવમીના દિવસે ઘણા લોકો રામલલ્લાની મૂર્તિને પાલનામાં રાખી ઝુલાવતા પણ હોય છે. ત્યારબાદ ભગવાનની આરતી કરે છે. આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકો છો. ભગવાન રામને ખીર અથવા અન્ય મીઠાઈનો ભોગ ધરાવો.
રામજન્મની કથા
પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીરામ અને તેમના ત્રણ ભાઈના જન્મ પાછળ એક કથા છે. રાજા દશરથને પુત્રપ્રાપ્તિ થઈ નહીં તેથી તેમણે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો. આ યજ્ઞના પ્રસાદ તરીકે ઉત્પન્ન થયેલી ખીર તેમણે ત્રણેય રાણીઓને પ્રસાદ તરીકે આપી.
રાણીઓએ ખીર આરોગ અને થોડા દિવસો પછી રાજા દશરથને સારા સમાચાર પ્રાપ્ત થયા. ત્યારબાદ ત્રણેય રાણીઓએ ચાર રાજકુમારને જન્મ આપ્યો. જેમાં કૌશલ્યાએ શ્રીરામ, કૈકયીએ ભરત અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો. ત્યારથી આ તિથિને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે.
અગત્ય સંહિતા અનુસાર શ્રીરામનો જન્મ થયો ત્યારે બપોરનો સમય હતો અને પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્ન અને મેષ રાશિ હતી. શાસ્ત્રોનુસાર ભગવાન રામનો જન્મ થયો ત્યારે સૂર્ય અને 5 ગ્રહોની શુભ દ્રષ્ટિ પણ હતી જેથી ખાસ યોગ સર્જાયો હતો. ગોસ્વામી તુલસીદાસએ મહાકાવ્ય રામચરિતમાનસની રચના પણ આ દિવસે કરી હતી. તેથી અયોધ્યામાં આ દિવસનું ખાસ મહત્વ છે.