૧૨૨ ઘર, ૩૨૨ દુકાનો, ૩૦૧ વાહનોને આગથી નુકસાન
નવી દિલ્હી, તા. ૩ :. ઉત્તર પૂર્વ દિલ્હીના વેપારી યુનિયનો હજુ પણ દિલ્હી હિંસામાં થયેલા નુકસાનનો અંદાજ માંડી રહ્યા છે. દિલ્હી ચેમ્બર ઓફ કોમર્સનું માનવું છે કે લગભગ ૨૫૦૦૦ કરોડનું નુકસાન થયું છે કેમ કે મુખ્ય રોડની સાઈડમાં આવેલ તમામ શો રૂમોમા આ ચાંપવામાં આવી હતી. જથ્થાબંધ માલથી ભરેલા કેટલાય ગોદામોમાં લૂંટફાટ અકિલા કરાઈ હતી અને નાની ફેકટરીઓની અંદર તોડફોડ કરાઈ હતી. ઉત્તર પૂર્વ દિલ્હી જીલ્લા પ્રશાસનના એક વચગાળાના રીપોર્ટ અનુસાર ઓછામાં ૧૨૨ ઘરો, ૩૨૨ દુકાનો અને ૩૦૧ વાહનો સંપૂર્ણપણે તારાજ થયા હતા. જ્યારે ફાઈનલ રિપોર્ટ સોંપવામાં આવશે ત્યારે કદાચ આ આંકડો તેનાથી પણ વધારે હોઈ શકે. સોમવારે ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે આ વચગાળાનો રિપોર્ટ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટોની આગેવાની હેઠળની ૧૮ ટીમો દ્વારા રવિવાર સવાર સુધીમાં મળેલ આંકડાઓ પરથી તૈયાર કરાયો છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના દિશાનિર્દેશોને અનુસરીને આ ટીમોએ નુકસાનીના અંદાજ માટે પૂર્વ-ઉત્તર દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કર્યો હતો. નોર્થ ઈસ્ટ દિલ્હીના જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરીના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે આ આંકડો પણ વધી શકે છે કેમ કે એસડીએમ દ્વારા શનિવારથી વધુ વિસ્તારોમાં સર્વે શરૂ કર્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ૪૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩૫૦થી વધારે ઘાયલ થયા હતા. નોર્થ ઈસ્ટ દિલ્હીના જીલ્લા મેજીસ્ટ્રેટ શશિ કૌશલે કહ્યું હતું કે દરેક એસડીએમની ટીમમાં રેવન્યુ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ અને નાગરીક સ્વયંસેવકો મળીને ૬૦ વ્યકિત રખાયા છે, જે સર્વેના કામમાં મદદ કરે છે અને અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાનું કાર્ય કરે છે. જો કે તેણીએ હજુ કેટલા વિસ્તારો સર્વેમાં બાકી છે, સર્વેના તારણ અંગે કંઈ કહેવાની ના પાડી હતી.