ન્યુ દિલ્હી,તા.૨૨
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલેનિયા ટ્રમ્પ દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત લેવાના છે. પરંતુ તેમની મુલાકાત દરમ્યાન મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા સામેલ નહીં થાય. સુત્રો મુજબ આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારે અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાના નામ કાર્યક્રમમાંથી હટાવ્યા છે.
આ પહેલા નિર્ધારિત કાર્યક્રમ મુજબ બંને અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ સાથે સ્કૂલની મુલાકાત દરમ્યાન ઉપસ્થિત રહેવાના હતા. મેલેનિયા ટ્રમ્પ ૨૫ ફેબ્રુઆરીએ દક્ષિણ દિલ્હીની સરકારી સ્કૂલમાં હેપ્પીનેસ ક્લાસ નિહાળવા જશે. મેલેનિયા અંદાજે ૧૨ વાગ્યા આસપાસ સ્કૂલની મુલાકાત લેશે. તે અંદાજે ૧ કલાક સ્કૂલમાં વીતાવશે અને બાળકો સાથે મુલાકાત કરશે. જ્યારે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત ચાલી રહી હશે ત્યારે જ તે બાળકો સાથે મુલાકાત કરી રહ્યા હશે. મહત્વનું છે કે પહેલી વખત અમેરિકાના કોઇ ફર્સ્ટ લેડી દિલ્હીની કોઇ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે.
દિલ્હીમાં મેલેનિયા સ્કૂલના બાળકોને મળશે : કેજરીવાલ-સિસોદિયાનું નામ ‘આઉટ’
Leave a Comment