દિલ્હી હિંસા દરમિયાન પોલીસકર્મી પર પિસ્તોલ તાકનાર શાહરુખની ધરપકડ કરી લેવામાં આવી છે. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમે શાહરુખને ઉત્તર પ્રદેશના બરેલીથી પકડી લીધો છે. તેની સાથે હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ તેને રહેવા માટે જગ્યા આપનારા લોકોની પણ શોધ કરવામાં આવી રહી છે.
દિલ્હી હિંસા દરમિયાન 24 ફેબ્રુઆરીના રોજ જાફરાબાદ વિસ્તારમાં એક વ્યક્તિએ 8 રાઉન્ડ ફાયરિંગ કરી હતી. આ વ્યક્તિએ ફાયરિંગ દરમિયાન પોલીસકર્મી પર પણ પિસ્તોલ તાકી દીધી હતી. ફાયરિંગ કરતા આ વ્યક્તિ ભીડમાં ગાયબ થઈ ગયો હતો. આ વ્યક્તિની ઓળખ શાહરુખના રૂપમાં થઈ હતી.
દિલ્હી પોલીસ ઘણાં દિવસોથી શાહરુખની શોધ કરી રહી હતી. હિંસા પછી શાહરુખ તેના પરિવારની સાથે ફરાર થઈ ગયો હતો. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચની ટીમ તેની શોધમાં લાગી હતી.
ક્રાઈમ બ્રાન્ચને જાણ થઈ કે શાહરુખ બરેલીમાં છુપાઈને બેઠો છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસે સાથે મળીને શાહરુખને પકડી લીધો. હાલમાં તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ શાહરુખને મદદ કરનારાઓની પણ શોધ ચાલી રહી છે.શાહરુખે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર પિસ્તોલ તાકી હતી. તેમણે જણાવ્યું કે, શાહરુખ સામેથી ફાયરિંગ કરતો આવી રહ્યો હતો. બીજા લોકો તેની ફાયરિંગની વચ્ચે ન આવી જાય તે માટે તેમણે શાહરુખને વચ્ચે જ રોકી લીધો હતો.
જણાવી દઈએ કે, દિલ્હીમાં થયેલી સાંપ્રદાયિક હિંસામાં અત્યાર સુધીમાં 45 લોકોના મોત થયા છે. તો ઘણાં લોકો ઈજાગ્રસ્ત પણ છે. નાગરિકતા સંશોધન કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં હિંસા શરૂ થઈ હતી.