રાજકોટ,તા.૨૩
રાજકોટ મહાનગરપાલિકાના ઝૂમાં ઘૂસી આવેલો દીપડો શુક્રવારે રાત્રીએ પાંજરે પૂરાયો હતો ત્યાં આ જ સમયે ઝૂથી ૧૦ કિમી દૂર હડમતીયા ગામે પણ દીપડાએ દેખા દીધી છે અને ત્યાં વનવિભાગને તેના સ્પષ્ટ ફૂટ પ્રિન્ટ પણ મળ્યા હતા. બેડી અને હડમતિયા ગામની વચ્ચેના વિસ્તારમાં પોતાની વાડીએ ઘરે પરત ફરી રહેલા મેઘદીપસિંહ જાડેજાને રાત્રીના ૯ વાગ્યાની આસપાસ રોડ પર જ દીપડો દેખાયો હતો. તેમણે તુરંત જ બાઈક રોકી દીધું હતું અને દીપડાને પસાર થવા દીધો હતો અને રાત્રે જ વનવિભાગને જાણ કરી હતી. સવારના સમયે ફરી તે જ વિસ્તાર પાસે જતા દીપડાના સગડ પણ મળ્યા હતા. જો કે ઝૂમાં દીપડો પકડાયો હોવાથી વનવિભાગનો સ્ટાફ રાત્રીના સમયે હડમતિયા પહોંચી શક્યો હતો અને ત્યાં ફૂટ પ્રિન્ટ ચકાસતા દીપડાના જ હોવાનું સાબિત થયું છે. જ્યાં આ સગડ મળ્યા છે તે વિસ્તાર પ્રદ્યુમમ પાર્ક ઝૂથી ૧૦ કિમી જ દૂર આવેલો છે.
શુક્રવાર રાતે ૯ વાગ્યાની આસપાસ વાડીએથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર જ દીપડો જઈ રહ્યો હતો. તે એક ખેતરથી બીજા ખેતરમાં ગયો હતો અને એ સમયે અમારી વચ્ચે ૨૫ ફૂટ જેટલું માંડ અંતર હતું. દીપડો અતિ જોખમી હોવાથી કોઇપણ પ્રકારની હલન ચલન ટાળી હતી. દીપડો પસાર થઈ ગયા બાદ તંત્રને જાણ કરી હતી. દીપડાના સગડ પણ મળ્યા હતા.
રાજકોટમાં હડમતીયા ગામે દીપડાએ દેખા દેતાં લોકોમાં ભય
Leave a Comment