– લોકડાઉન અંતર્ગત ઈશ્યુ કરવામાં આવેલા પાસ રીન્યુ કરવાના મામલે સર્જાયેલી તકરારમાં એક યુવાને વિજાપુરના મામલતદારને લાફો ઝીંકી દેતા હોબાળો મચી ગયો હતો.આ અંગે પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરીને તેમની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
– કચેરી દ્રારા કરવામાં આવે છે પાસનું વિતરણ
કોરોના સંક્રમણને અટકાવવા હાલ લોકડાઉનનો અમલ ચાલુ છે. બીજા તબક્કામાં ત્રણ મે સુધી તેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.વિજાપુર તાલુકામાં આવશ્યક ચીજવસ્તુઓની હેરાફેરી કરવા તેમજ જરૃરિયાતમંદો સુધી ફૂડ પેકેટનું વિતરણ કરતી સંસ્થાઓ અને વ્યક્તિઓને મામલતદાર કચેરી દ્વારા પાસ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.દરમિયાન લોકડાઉનની મુદતમાં વધારો કરવામાં આવતા પાસ રીન્યુ કરવાને બદલે આપોઆપ જ તેની મુદત વધારી દેવાઈ હતી.
યુવકે ફડાકો ઝીંકી દીધો
દરમિયાન બુધવારે વિજાપુર મામલતદાર કચેરી ખાતે સૈયદ તાબીસ તલતમહેમુદ અને સૈયદ મહંમદતબોઝ આવ્યા હતા અને તેમણે પાસ રીન્યુ કરવાના મામલે મામલતદાર જી.કે. પટેલ તેમજ પુરવઠા નાયબ મામલતદાર કાર્તિક અજીતસિંહ વિહોલ સાથે રકઝક કરી હતી.જેમાં મામલો ઉગ્ર બનતા મામલતદારને યુવકે લાફો મારી દીધો હતો. જેના કારણે હોબાળો મચી ગયો હતો.આ ઘટના અંગેની જાણ થતાં મહંમદઉમેર મુસ્તાકખાન પઠાણે પણ ઉપરાણુ લઈ માથાકુટ કરી હતી.આ અંગે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ત્રણ જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.