નોવેલ કોરોનાનાં કહેર વચ્ચે એક તરફ જયાં લોકોને ખાવા-પીવા અને દવાનાં ફાંફા પડી રહ્યા છે ત્યા ભરૃચ જિલ્લા કોંગ્રેસના આગેવાન અને ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલાએ રાજય નશાબંધી અને આબકારી નિયામકને લોકડાઉનની સ્થિતીમાં પરમીટ ધારકોને લીકર કે વાઈન મળી રહે તે માટે ઓનલાઈન ઓર્ડર પોર્ટલ સેવા શરૂ કરી હોમ ડિલિવરી કરવા રજૂઆત કરી છે.
કોરોના લોકડાઉન ૧૮ દિવસમાં પ્રવેશ્યુ છે.ભરૂચ જિલ્લામાં પણ હજી કેટલાય જરૂરીયાતમંદો,ગરીબો અને શ્રમજીવીઓને ખાવા-પીવા કે દવાનો જથ્થો મળી રહ્યો નથી.આવા સમયે ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલાએ લીકર પરમીટ ધરાવતા લોકોને દારૂ મળી રહે તે માટે વ્યવસ્થા કરવા નશાબંધી અને આબકારી નિયામક સુનિલકુમારને લેખિત રજૂઆત કરતા જિલ્લામાં તેના પ્રત્યાધાતો પડી રહ્યાં છે.
ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલાએ પોતાના પત્રમાં લખ્યુ છે કે,હાલના કોવિડ-૧૯ વાઈરસના કારણે લોકડાઉનથી તમામ લીકર-વાઈનની દુકાનો તેમજ એજન્સીઓ બંધ છે જે આવકાર્ય છે.જે નાગરીકો મેડીકલ કન્ડીશનથી સ્વાસ્થ્ય સારવાર હેતુ માટે પરવાના ધરાવે છે તેમજ ફોરેનર્સ (એન.આર.આઈ.) કે ટુરીઝમ હેતુ માટે પરમીશન ધરાવે છે એવા લોકો માટે ઓનલાઈન ઓર્ડર પોર્ટલ સેવા શરૃ કરવામાં આવે.જે ઓર્ડર થયેલ લીકર-વાઈનની હોમ ડીલીવરી જે તે નાગરીકના સ્થળે કરવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરાઈ છે.
લોકડાઉનમાં ખરાબ લીકરથી લોકોનું સ્વાસ્થ્ય ન બગડે તેવી કેફિયત:
ગણેશ સુગરના ચેરમેને કરેલી રજૂઆત પાછળ કેફિયત વ્યકત કરી હતી કે,હાલ લોકડાઉનમાં ખરાબ લીકરથી લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે.જિલ્લામાં ૨૦૦૦ જેટલા લોકો પાસે જ દારૃની પરમીટ છે અને વાઈન-લીકર શોપ બંધ છે તો ખરાબ દારૃ મળવાનો જ કયાંથી છે તેવો સવાલ પણ ડ્રાય સ્ટેટમાં લોકડાઉન વચ્ચે ઉભો થયો છે.વળી ગામડાના લોકો કયા પરમીટ ધરાવે છે કે ઈંગ્લીશ દારૃ પીવે છે સહિતના સવાલો પણ તેમની રજૂઆતને લઈ સોશ્યલ મિડિયા પર દિવસભર ચર્ચામાં રહ્યાં હતા.