– દારૂ ભરેલી કાર છોડી કુખ્યાત બુટલેગર કલ્પેશ વસાવા ફરાર થઇ ગયો
અંકલેશ્વર,તા. 21 માર્ચ 2023, મંગળવાર : વાલિયા પોલીસને રાતે બંદોબસ્તમાં જોઈ સ્કોર્પિયો કારમાં દારૂ ભરી આવતો મેરા ગામનો કુખ્યાત બુટલેગર કાર હંકારી મૂકી કાચા રસ્તે નીકળી ગયો હતો.કાચા માર્ગ ઉપર રૂપિયા 2.25 લાખનો દારૂ ભરેલી કાર છોડી બુટલેગર ફરાર થઇ ગયો હતો. વાલિયા પોલીસે મેરા-આમલડેરા ગામ વચ્ચેથી સ્કોર્પિયો કારનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂ.6.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
વાલિયા પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો.દરમિયાન બાતમી મળી હતી કે, મેરા ગામના લીમડા ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર કલ્પેશ રમેશ વસાવા પોતાની સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મેરા ગામ તરફ આવી રહ્યો છે.બાતમીના આધારે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પી.આઈ. કે.વી.ચુડાસમાના માર્ગ દર્શન હેઠળ મેરા ગામની સીમમાં વોચ ગોઠવી ઉભો હતો.આમલડેરા ગામ તરફથી બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે કાર પુરપાટ ઝડપે હંકારી મૂકી હતી.પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર કાચા રસ્તે દારૂ ભરેલ કાર મૂકી ફરાર થઇ ગયો હતો.પોલીસે સ્કોર્પિયોની અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 2064 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 2.25 લાખનો દારૂ અને 4 લાખની ગાડી મળી કુલ 6.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે મેરા ગામના કુખ્યાત બુટલેગર કલ્પેશ રમેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


