કોરોના વાયરસને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ક્લોઝડાઉનની સ્થિતિ છે. અમદાવાદમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યાને લઈ તમામ વસ્તુઓ બંધ છે. તેવામાં રસ્તે રહેતાં અને છૂટક મજૂરી કરીને પેટ ભરતાં લોકોને ખાવાના ફાંફા પડી ગયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટનું વહેંચણી કરવામાં આવી હતી.
અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોરોના મહામારીમાં સરાહનીય કામગીરી સામે આવી હતી. કોર્પોરેશનની સ્વચ્છતા મામલે દંડ કરતી જેટની ગાડીઓમાં ફૂડ પેકેટ જોવા મળ્યા હતા. આ ફૂડ પેકેટનું વિતરણ પણ ખુદ કોર્પોરેશનના કર્મચારીઓએ કર્યું હતું. મ્યુન્સિપલ કોર્પોરેશન કમિશનર વિજય નહેરાએ આ આદેશ કર્યા હતા. અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર રહેતાં અને મજૂરી કામ કરતાં લોકને આ ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ફૂડ પેકેટ વિતરણના લીધે ભૂખ્યા ના રહે અને લોકોને ભોજન મળી રહે તેવો ઉદ્દેશ કોર્પોરેશનનો રહેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ ઉમદા કામગીરીને શહેરીજનોએ આવકારી લીધી હતી. અગાઉ સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસનો પણ એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં પોલીસકર્મીઓ રસ્તાં પર રહેતાં જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ આપી રહ્યા હતા. સંકટના આ સમયમાં તંત્ર દ્વારા લોકોના રક્ષણની કામગીરી તો કરવામાં આવી જ રહી છે સાથે સાથે માનવીય અભિગમ પણ જોવા મળી રહ્યો છે.
તો લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગાંધીનગર પોલીસની માનવતા સામે આવી હતી. ગાંધીનગર પોલીસે ચાલતા જતા લોકોને જમવાનું પુરૂ પાડ્યું હતું. નાના ચિલોડા, અડાલજ સહિતની જગ્યાઓ ગાંધીનગર પોલીસ દ્વારા ચાલતાં જતાં લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 1500 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરીને વિતરણ કરાયા હતા. આ સાથે જ ચાલતા જતા લોકોના આરોગ્ય તપાસની કામગીરી પણ કરવામાં આવી હતી.