– મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે નોટોને સેનીટાઇઝ કરી સળગાવી નાખીઃ પોલીસ ફરી સીસીટીવીના સહારે : દિલ્હી અને સુરતની ઘટનાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં સુરતમાં વધુ એક રહસ્યમય ઘટનાથી ચોતરફ ચર્ચાઓ
સુરત,તા., ૨૨: કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવવા તબીબો-પોલીસ સ્ટાફ-મીડીયા કર્મીઓ જાનના જોખમે ફરજ બજાવી રહયા છે ત્યારે બીજી તરફ આવી મહામારીને મજાક સમજી માસ્ક વગર શેરીઓ-ગલીઓમાં નીકળી પોલીસથી છટકી ગયાનો આનંદ લેવા સાથે કેટલીક રહસ્યમય ઘટનાઓ બની રહી છે.દિલ્હીથી પ્રારંભ થયેલી આ ઘટના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પંથકના સીમાડા વટાવી સુરત સુધી પહોંચી જતા,તાગ ઉકેલવા માટે તંત્ર ઉંધે માથે થયું છે.હજુ આ ઘટનાનો ભેદ ખુલ્યો નથી ત્યારે સુરતના પુણે વિસ્તારમાં રૂ.ર૦૦૦ની એક કરન્સી નોટ શંકાસ્પદ સંજોગોમાં નજરે પડતા લોકોમાં કુતુહલ સાથે આશ્ચર્ય સર્જાયું છે.સ્થાનીક લોકોને આ બાબતની જાણ થતા તુર્ત જ પોલીસ અને મ્યુનીસીપલ કોર્પોરેશનને જાણ કરતા તુર્ત જ સ્થળ પર પહોંચી જઇ એ નોટને સેનીટાઇઝ કરી બાળી નાખવામાં આવી હતી.
પોલીસે આ ઘટનામાં ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજ આધારે તપાસ શરૂ કર્યાનું સુત્રો જણાવે છે.અત્રે યાદ રહે કે દિલ્હીમાં કેશવપુરમ વિસ્તારમાં કોઇએ પ૦૦ અને ર૦૦૦ની ચલણી નોટ ફેંકી હતી આવી રીતે રોડ વચ્ચે પડેલી નોટો જોઇ કોઇ હાથ અડાડતા ન હતા કે જાગૃત લોકો બીજા લોકોને હાથ અડાડવા દેતા ન હતા લોકો કુતુહલતાથી પોતાના ફલેટની બારીઓ અને બાલ્કનીમાંથી તમાશો નિહાળી રહયા હતા અંતે એક જાગૃત નાગરીકે તંત્રને જાણ કરી હતી.દિલ્હીની આ ઘટનાનો ચેપ જાણે ગુજરાત સુધી ફેલાયો હોય તેમ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ઝોબાળા ગામે રૂ.પ૦૦ના દરની ૬ નોટો બીનવારસી હાલતમાં મળી આવી હતી.જો કે પાછળથી આ નોટ કોઇ નાગરીકે પોતે પાકીટ કાઢવા જતા પડી ગયાનું જણાવતા તંત્રએ નિરાંતનો શ્વાસ લીધો હતો. પરંતુ સુરતની ઘટના પર હજુ પડદો પડી રહયો છે.આ અગાઉ સુરતના પીપલોદ વિસ્તારના ચાંદની ચોક એરીયાના ફુટપાથ પરથી કુલ રૂ. ૮૦૦ની રકમની નોટ મળી આવી હતી. ઘણા લોકોનો આક્ષેપ એવો હતો કે કોઇએ નોટોનો ઘા કરી નાસી છુટયા છે.સુરત મ્યુનીસીપલ કોર્પોરેશનની ખાસ ટીમ દ્વારા તુર્ત જ સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવા સાથે આસપાસની દુકાનો,શાકભાજીવાળાઓને પણ ડીસ ઇન્ફેકશન કરવામાં આવ્યા હતા તે બાબત જાણીતી છે.