સુરતમાં ફરી એક વખત સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના પુણામાં 13 વર્ષની કિશોરીને પેટમાં દુખાવો થતાં માતા તેને દવાખાને લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરે કિશોરી ગર્ભવતી હોવાનું કહેતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 13 વર્ષની કિશોરની ગર્ભવતી બનાવનાર અન્ય કોઈ નહીં પણ ખુદ માતાના માસા એટલે કે કિશોરીના નાના જ હતા. આ મામલે ફરિયાદ થતાં પોલીસે હવસખોર નાનાની ધરપકડ કરી લીધી છે.
સુરતના પુણામાં રહેતી 13 વર્ષની કિશોરીને પેટમાં દુખાવો ઉપડતાં માતા તેને દવાખાને લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરે દવા આપી ઘરે પરત મોકલી હતી. પણ બીજા દિવસે પણ કિશોરીને પેટમાં દુખાવા સાથે ઉલટી થતાં માતા ફરીથી તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરે કિશોરીની સોનોગ્રાફી કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી. કિશોરીને સાત અઠવાડિયાનો ગર્ભ હતો.
કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવતાં જ માતા હેરાન થઈ ગઈ હતી. આ મામલે જ્યારે તેઓએ કિશોરીની પુછપરછ કરી તો કિશોરીએ જણાવ્યું કે, 55 વર્ષનો તેના નાના એટલે કે કિશોરીના માતાના માસાએ જ કિશોરીને હવસની શિકાર બનાવી હતી. પૈસા આપવાની લાલચે 6 મહિના સુધી નાના કિશોરી પર બદકામ કરતો હતો. આ મામલે માતાએ હવસખોર નાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
55 વર્ષીય આરોપી રામલાલ અગ્રવાલ પોતે અનાજ દળવાની ઘંટી ચલાવે છે. કિશોરીને રૂપિયાની લાલચ આપી તેની પર દુષ્કર્મ આચારતો હતો. કિશોરી સાંજના સમયે જ્યારે સ્કૂલેથી પાછી આવતી હતી ત્યારે રામલાલ દુકાનેથી પત્નીને એવું કહી ને જતો કે ઘરે નાહવા જાઉં છું. અને પોતાના ઘરે આરોપી કિશોરી બાળકીને પાણી પુરી ખાવા અને નાસ્તો કરવા રૂપિયા આપવાની લાલચ આપી બોલવતો હતો. અને બાદમાં તેના પર દુષ્કર્મ આચારતો હતો. આરોપી આવી રીતે 6 મહિના સુધી કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો. પણ અંતે હવસખોરના પાપનો ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસે આ મામલે આરોપી નાના સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પણ હવે કિશોરીને ગર્ભ રહી જતાં પરિવાર મુંઝવણમાં મુકાયો છે. નાની બાળકીના પેટમાં રહેલ ગર્ભનું હવે શું કરવું તેની ચિંતા માતા-પિતાને સતાવી રહી છે.