સુરત,તા.૨૦
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતી હાંસલ કરી છે. જેથી ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નવો સંચાર થયો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,દિલ્હીની જનતાએ કામની રાજનીતિને સ્વિકારી છે. દિલ્હીની જીત સાથે જ રાષ્ટ્ર નિર્માણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક શહેરોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ૨૦૨૦માં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે જેની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના રામ ધડૂકે જણાવ્યું હતું કે, દિલ્હીમાં સરકારે કામ કરીને દેખાડયાં છે. અમે આ જ વાત દરેક લોકો સુધી પહોંચાડીશું. સાથે જ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારોને ઉભા રાખીને સારો દેખાવ કરવા પ્રયત્ન કરીશું જેથી ૨૦૨૨માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મજબૂતાઈથી લડવાની અને જીતવાની રણનીતિથી પાર્ટી આગળ વધી રહ્યાનું જણાવ્યું હતું.
યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લોકો મીસકોલ કરી શકશે. હાલ રાષ્ટ્ર નિર્માણ અભિયાનની દિલ્હીથી શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતના મોટા શહેરોથી લઈને તમામ જગ્યાએ આ અભિયાન અંતર્ગત લોકોને મળવામાં આવશે.
સુરત મનપા અને જિલ્લામાં ચૂંટણી લડવા આમ આદમી પાર્ટીની તડામાર તૈયારીઓ
Leave a Comment