સુરત તા. 26 માર્ચ 2020 ગુરૂવાર
ધંધા-રોજગાર-ઉદ્યોગ બંધ થયા પછી આજીવિકાની સમસ્યાને લઈને સુરત અને આસપાસના વિસ્તારમાંથી નીકળીને વતન તરફ હિજરત કરી રહેલા મજુર કારીગર વર્ગની પગપાળા સફર રાત્રિ દરમિયાન પણ સતત ચાલુ રહી હતી. નેશનલ હાઈવે ઉપર મજૂરો મોટી સંખ્યામાં આગળ વધી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કામરેજથી અંકલેશ્વર અને તેનાથી આગળ હાઈ-વે ઉપર કારીગરોના ધાડેધાડા સહપરિવાર આગળ વધતા જોવાયા હતા. કારીગરોની આ હિજરતને કારણે મજુર વસાહતો અને નાની-નાની સોસાયટીઓ ખાલી થઈ રહી છે. સુરતમાંથી સૌથી વધુ સંખ્યામાં મજુર અને કારીગરવર્ગ દાહોદ, ગોધરા, પંચમહાલ, ઉના જેવા વિસ્તારમાં જવા માટે નીકળી ગયો છે.
પોતપોતાના વિસ્તારમાં રહેવાની પ્રશાસન દ્વારા સુચના આપવામાં આવી હોવા છતાં ભૂખ્યા રહેવાના ડરને કારણે મજુર કારીગર વર્ગ પરિવાર સાથે પલાયન કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારના કારીગરો પણ ખૂબ જ મોટી સંખ્યામાં સુરત છોડી ગયા છે.