– રિઝર્વ બેન્ક તેની નાણાકીય નીતિ ઘડતી વખતે રિટેલ ભાવને આધારે નિર્ણય લેતી હોય છે
નવી દિલ્હી,
હોલસેલ ભાવ આધારીત ફુગાવાનો દર માર્ચ મહિનામાં ચાર મહિનાના તળિયે સરકી ગયો હતો અને માત્ર 1 ટકા રહ્યો હતો.ખાદ્યચીજો અને ઈંધણના ભાવમાં ખાસ્સા ઘટાડાને કારણે ફુગાવો ઘટ્યો હતો.હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ(WPI) આધારીત ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં 2.26 ટકા હતો અને ગયા વર્ષે માર્ચમાં 3.10 ટકા હતો.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જાહેર કરેલા ડેટા અનુસાર ખાદ્યચીજોનો ફુગાવાનો દર ઘટીને 4.91 ટકા થયો હતો,જે ફેબ્રુઆરીમાં 7.79 ટકાના ચિંતાજનક સ્તર પર હતો.ફ્યૂઅલ અને પાવર સેક્ટરમાં 1.76 ટકાનો ડિફ્લેશન રહ્યો હતો અર્થાત ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો ફુગાવાનો દર 0.34 ટકા રહ્યો હતો.કોરોના વાયરસને પગલે દેશવ્યાપી લોકડાઉનને કારણે WPIની લો રિસ્પોન્સ રેટ સાથે ગણતરી કરવામાં આવી છે.અંતિમ મહિના દરમિયાન તેમાં નોંધપાત્ર પ્રકારે સુધારો થાય તેવી શક્યતા છે.માર્ચ મહિનાનો WPI નવેમ્બર 2019 પછીના સૌથી નીચા સ્તર પર છે.નવેમ્બરમાં તે 0.58 ટકા હતો.
શાકભાજીના ભાવમાં માર્ચમાં 11.90 ટકાનો ઘટાડો થયો હતો.ફેબ્રુઆરીમાં તેમાં 29.97 ટકાનો ઉછાળો આવ્યો હતો.જોકે ડુંગળીના ભાવ માર્ચમાં પણ 112.31 ટકા વધ્યા હતા.કઠોળના ભાવ 12.12 ટકાનો વધારો થયો હતો.આ એક જ કેટેગરીમાં છે જેમાં ભાવ વધ્યા હતા.ફેબ્રુઆરીમાં તેમાં 11.42 ટકાનો વધારો થયો હતો.અગાઉ જાહેર થયેલા ડેટા અનુસાર રિટેલ ફુગાવાનો દર 5.91 ટકા રહ્યો હતો,જે ફેબ્રુઆરીમાં 6.58 ટકા હતો.રિઝર્વ બેન્ક તેની નાણાકીય નીતિ ઘડતી વખતે રિટેલ ભાવને આધારે નિર્ણય લેતી હોય છે.