– ઉજવણીના આયોજન માટે પટેલ પ્રગતિ મંડળ સુરત મુકામે ચોથી ડિસેમ્બરે મિટિંગ યોજાશે
ઓલપાડ : ન્યુ દિલ્હી ખાતે રજીસ્ટ્રેશન થયેલ દેશના કોળી સમાજના ઉત્થાનનું ભગીરથ કાર્ય કરતું સામાજિક સંગઠન અખિલ ભારતીય કોળી સમાજની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરા થયા છે.જેથી અખિલ ભારતીય કોળી સમાજના ગોલ્ડન જયુબીલીની ઉજવણી સુરત ખાતે કરવાનું નક્કી કરાતા તેની સફળતા માટે આગામી ચોથી ડિસેમ્બરના રોજ સુરત મુકામે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીતભાઈ કોન્ટ્રાકટરે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે,સમાજની સ્થાપનાના ૫૦ વર્ષ પૂરા થવા એ સમાજ માટે આનંદ અને ગૌરવની બાબત છે.જેથી સમાજનું સંગઠન વધુ મજબુત થાય,સમાજની એકતા વધે તથા ઉજવણીની સફળતાના આયોજન માટે સુરત મુકામે આગામી તાઃ૪-૧૨-૨૦૨૧ ને શનિવારના રોજ બપોરે ૨-૦૦ કલાકે સુરત વિભાગના તળપદા કોળી પટેલ સમાજના ઉત્થાન માટે સેવાકાર્ય કરતા પટેલ પ્રગતિ મંડળ, સુરત મુકામે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.જેથી આ મિટિંગમાં દક્ષિણ ગુજરાતનાં સુરત,નવસારી,વલસાડ,તાપી,ડાંગ,ભરૂચ જિલ્લાના કોળી પટેલ સમાજના રાજકીય પાર્ટીના સાંસદો,ધારાસભ્યો,માજી ધારાસભ્યો,સમાજમાંથી ચૂંટાયેલા જિલ્લા- તાલુકા પંચાયત પ્રમુખો-સદસ્યો,સમાજનાં તમામ કોપોરેટરો,જિલ્લા-તાલુકા કોળી સમાજનાં પ્રમુખો, અન્ય હોદ્દેદારો,કારોબારી સભ્યોને બપોરે ૨-૦૦ કલાકે પટેલ પ્રગતિ મંડળ, જયોતિન્દ્ર દવે બાગની સામે, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત મુકામે પધારવા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીતભાઈ કોન્ટ્રાકટર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.