અમદાવાદ, તા. 16 માર્ચ 2022 બુધવાર : આ ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે તેવી અપેક્ષા છે.કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને દેશના મોટાભાગના રાજ્યો નિયમનો દૂર કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી આઈસ્ક્રીમના ઉત્પાદકોને વર્તમાન વર્ષના ઉનાળામાં વેચાણમાં બે વર્ષના ગાળા બાદ જોરદાર વૃદ્ધિ થવાની અપેક્ષા છે.
લોકડાઉન અને કોરોનાના ડરના કારણે છેલ્લા બે વર્ષમાં આઈસ્ક્રીમનુ વેચાણ લગભગ 85% ની નીચી સપાટીએ નોંધાયું હતું.જો કે,માર્ચના પ્રથમ 15 દિવસોમાં જ આઈસ્ક્રીમનું વેચાણ નાણાકીય વર્ષ 2020 ની તુલનામાં ત્રણ ગણું વધ્યું છે.
આઇસક્રીમ સેગમેન્ટ ઇન-હાઉસ વપરાશ,ઘરની બહાર વપરાશ અને HoReCa (હોટેલ્સ,રેસ્ટોરન્ટ્સ અને કેટરિંગ) સેગમેન્ટ દ્વારા સંચાલિત છે.કોવિડ-19ને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ઘરની બહારનો વપરાશ અને HoReCa સેગમેન્ટ બંનેને અસર થઈ હતી. 2021 ના ઉનાળામાં વેચાણ ઘટવા લાગ્યું હતું પરંતુ તાજેતરમાં પ્રતિબંધો હળવા થવાથી આશાઓ ફરી જીવંત થઈ છે.
સંપૂર્ણપણે કર્ફ્યુ હટવાથી લોકો રાત્રે શાંતિથી બહાર નીકળી રહ્યા છે અને તેમના પ્રિયજનો સાથે આઈસ્ક્રીમનો આનંદ માણે છે.છેલ્લાં બે વર્ષમાં આઈસક્રીમની બ્રાન્ડને ભારે નુકસાન થયું છે પરંતુ આ વર્ષે સારી રિકવરી સાથે કડવા ભૂતકાળને મધુર બનાવવાની આશા છે.
ફેબ્રુઆરીના મધ્યથી જ્યારે હવામાન હમણાં જ ગરમ થવાનું શરૂ થયું હતું ત્યારથી જ ફૂટફોલ શરૂ થઈ ચૂક્યા છે.કોવિડ-19ના કેસો ઘટવા સાથે લોકોએ મોટાભાગે આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં દુખાવો અથવા શરદી થવાના તેમના ડર પણ દૂર કરી દીધા છે.