અમદાવાદ,તા.૨૩
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધીઆશ્રમ જશે ત્યારે તેમને ત્યાં હળવા નાસ્તારૂપે ગુજરાતી-પંજાબી ફ્યુશન ફૂડ પિરસવામાં આવશે. આ નાસ્તો તૈયાર કરવાની સઘળી જવાબદારી ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલના શેફ સુરેશ ખન્નાને સોંપવામાં આવી છે. શેફ ખન્ના આ પ્રસંગે ટ્રમ્પની સાથે આવી રહેલા તેમના પત્ની મેલેનિયા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ સમયને અનુરૂપ નાસ્તો તૈયાર કરશે.
શેફ સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે, બપોરના સમયને ધ્યાનમાં રાખીને લાઈવ સ્નેક્સ તૈયાર કરવામાં આવશે. આ માટે ગુજરાતી-પંજાબી ફ્યુઝન નાસ્તો તૈયાર કરવાની મુખ્ય થીમ છે. ગુજરાતમાં કોઈ મોંઘેરા મહેમાન આવે અને તેમને ખમણ-ઢોકળા પિરસવામાં ન આવે એ કેમનું બને. આ કારણથી જ ટ્રમ્પ દંપતીને નાસ્તામાં ખમણ-ઢોકળા ઉપરાંત પંજાબી સમોસા પણ પિરસવામાં આવશે. આ સિવાય સિઝનલ ઓરેન્જ જ્યુસ ઉપરાંત નારિયેળ પાણી પણ ઓફર કરાશે. આ સિઝનમાં નારિયેળ પાણી ઉત્તમ ગણાય છે કારણ કે તેનાથી શરીરમાં ગરમીને લીધે ખનિજની કમી દૂર કરાય છે.
અમદાવાદના શેફ સુરેશ ખન્ના ટ્રમ્પ માટે ખમણ-ઢોકળા, સમોસા બનાવશે
Leave a Comment