અમદાવાદ : તા.06 જુન 2022,સોમવાર : અમદાવાદ જિલ્લા પંચાયાત કચેરી ખાતે ગઇકાલે’પાપા પગલી’પ્રોજેક્ટ અંતર્ગત ટીએમએલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.૩ થી ૫ વર્ષના બાળકોને આંગણવાડીમાં કેવું શિક્ષણ આપવું,કેવી પદ્ધતિથી આપવું તે અંગે ૨૭ બ્લોક કોઓર્ડિનેટરોએ ભાગ લીધો હતો.જેમાંથી ૬ જણાને વિજેતા જાહેર કરીને તેમની થીમને બિરદાવવામાં આવી હતી.’પાપા પગલી’ પ્રોજેક્ટ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે.જેનો હેતું આંગણવાડીમાં આવતા ૩ થી ૫ વર્ષના બાળકોને જીવનને મહત્વના વર્ષમાં તેમના ગુણવત્તાસભર જીવન માટેનો પાયો મજબુત કરવાનો છે.તેઓનો સર્વાગી વિકાસ થાય અને તેઓ બાલવાટિકાના શિક્ષણ માટે સજ્જ થાય તે હેતું રહેલો છે.
આ અંગે આઇસીડીએસ પ્રોગામ ઓફિસર પારૂલબેન નાયકના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં આ કાર્યક્રમ યોજાયો છે.જેમાં ૨૭ જેટલા બ્લોક કોર્ડિનેટરોએ ભાગ લઇને તેમના પ્રોજેક્ટ રજુ કર્યા હતા.સ્ટેટ કચેરીના અધિકારીઓએ પણ હાજરી આપી હતી.આ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી બહેનોને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.જિલ્લા અને તાલુકા કક્ષાના ઇન્સ્ટ્રક્ટર વચ્ચે હરિફાઇ યોજાઇ હતી.જેનો ‘વિષય પૂર્વ પ્રાથમિક શિક્ષણ’ની થીમ હતો.અમદાવાદ જિલ્લામાં પણ આંગણવાડીઓમાં બાળકોને અપાતા શિક્ષણમાં પરિવર્તન લવાશે,નવી નવી વસ્તુઓ શીખવવામાં આવશે.