નવી દિલ્હી, તા. 15 માર્ચ 2022, મંગળવાર : રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો અને પછી પરમાણુ વીજ મથક ઉપર કબજો જમાવ્યો ત્યારે જોખમ છોડી સલામતી માટે દોડ જોવા મળી હતી.આ સ્થિતિમાં સોનું ઐતિહાસિક સપાટીથી નજીક પહોંચી ગયું હતું. તા.૮ માર્ચના સોનું ૨૦૬૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ હતું.આની સાથે ભારતમાં પણ સોનાનાં ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૫૦૦૦ સુધી પહોંચી ગયું હતું.
ભારતમાં સોનાના ભાવ વધવા માટે વૈશ્વિક ઊંચા ભાવ,ડોલર સામે રૂપિયાની વિક્રમી નીચી સપાટી જવાબદાર હતી.
જોકે,યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ માટે મંત્રણા આગળ વધી રહી છે.કોરોનાનો વ્યાપ ચીનમાં ફરી વધી રહ્યો છે એટલે ક્રૂડના ભાવ ઘટી ગયા હતા.સામે,અમેરિકામાં ફેડરલ રિઝર્વ બુધવારે વ્યાજનો દર વધારશે અને આ વર્ષે કુલ ૧.૭૫ ટકા જેટલો વ્યાજ દર અમેરિકામાં થઈ જશે એવી અપેક્ષા વધી રહી છે.આ અપેક્ષાના કારણે અમેરિકાના બોન્ડના યિલ્ડ ૨.૨ ટકા જેટલા ઊંચા થઈ જતા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.સોનું ઘટી ૧૯૪૦ ડોલરની સપાટીએ આવી ગયું છે
મોંઘવારીમાં બોન્ડના વ્યાજ ઊંચા થતા,સોના જેવી એસેટ કે જે વ્યાજ નથી આપતી તેના ભાવ ઘટે છે.સોનાના ભાવમાં એક જ સપ્તાહમાં ૧૦૦ ડોલર કરતાં વધારે ઘટાડો જોવા મળ્યો છે.
બુધવારે ભારતીય સમય અનુસાર રાત્રે અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર અંગેનો નિર્ણય જાહેર કરશે.આ બેઠકમાં વ્યાજનો દર ૦.૨૫ ટકાથી ૦.૫૦ ટકા વધે એવી શક્યતા છે.અમેરિકામાં મોંઘવારી ૪૦ વર્ષની સૌથી ઊંચી સપાટીએ હોવાથી વ્યાજ દર વધવાના છે.