– કંપની કેમિકલના નિર્માણ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી વાપી,સારીગામ(વલસાડ જિલ્લો),સિલવાસા અને મુંબઇમાં કંપનીના ૨૦થી વધુ સંકુલોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં : સીબીડીટી
નવી દિલ્હી, તા. ૨૧ : આવકવેરા વિભાગે કેમિકલના નિર્માણ અને રિયલ એસ્ટેટમાં કાર્યરત ગુજરાતની કંપની પર દરોડા પાડી ૧૦૦ કરોડ રૃપિયાની બિનહિસાબી આવક પકડી પાડી છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
સીબીડીટીના જણાવ્યા અનુસાર વાપી,સરીગામ(વલસાડ જિલ્લા),સિલવાસા અને મુંબઇમાં ૨૦થી વધુ પરિસરોમાં આવકવેરા વિભાગે દરોડા પાડયા હતાં.સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપની દ્વારા મોટી બિનહિસાબી આવક અને સંપત્તિમાં તેના રોકાણને દર્શાવતા દસ્તાવેજ, ડાયરીમાં લખવામાં આવેલ હિસાબો,ડિજિટલ આંકડાના સ્વરૃપમાં વાંધાજનક પુરાવા જપ્ત કરી લેવામાં આવ્યા છે.
તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પુરાવા પરથી સ્પષ્ટપણે જોઇ શકાય છે કે વિવિધ રીતો અપનાવીને આવક ઓછી બતાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.જેમાં ઉત્પાદન ઓછું બતાવવું, ખરીદી વધારે બતાવવા માટે માલની વાસ્તવિક ડીલીવરી વગર નકલી બિલો રજૂ કરવા, નકલી જીએસટી ક્રેડિટનો લાભ જેવી રીતો સામેલ છે.સીબીડીટી મુજબ આવકવેરા અધિકારીઓઅ રોકડ વ્યવહારો,સ્થિર મિલકતોમાં રોકાણ,રોકડ લોન અંગેના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.દરોડા દરમિયાન ૨.૫ કરોડ રોકડ અને એક કરોડ રૃપિયાની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે.આ ઉપરાંત ૧૬ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જપ્ત કરવામાં આવેલા પુરાવા પરથી પુરવાર થાય છે કે કંપનીની બિનહિસાબી આવક ૧૦૦ કરોડ રૃપિયાથી વધુ છે.આવકવેરા વિભાગ માટે ઉચ્ચ નિર્ણયો લેતી સંસ્થા સીબીડીટીના જણાવ્યા અનુસાર સ્થિર મિલકતોના ટ્રાન્ઝેકશનના ભાગ રૃપે કંપનીએ બિનહિસાબી નાણા મેળવ્યા હતાં.

