– વાનખેડેએ નકલી સર્ટિફિકેટના આધારે પોતાને અનુસૂચિત જાતિનો બતાવીને નોકરી મેળવી હોવાનો આરોપ
નવી દિલ્હી, તા. 22 નવેમ્બર : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરૂદ્ધ મોરચો માંડેલો છે.નવાબ મલિકે છેલ્લા થોડાંક સમયથી સમીર વાનખેડે વિરૂદ્ધ આરોપોનો મારો ચલાવ્યો છે.ત્યારે નવાબ મલિકે ફરી એક વખત ટ્વિટરના માધ્યમથી સમીર વાનખેડે પર નિશાન સાધ્યું છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે એક તસવીર ટ્વિટ કરી હતી.આ સાથે જ લખ્યું હતું કે, ‘કબૂલ છે, કબૂલ છે, કબૂલ છે.. આ શું કર્યું તે સમીર દાઉદ વાનખેડે?’ નવાબ મલિકે ટ્વિટ કરેલી તસવીરમાં ટોપીવાળો શખ્સ (નવાબ મલિકના કહેવા પ્રમાણે સમીર વાનખેડે) કોઈ કાગળ પર હસ્તાક્ષર કરતો દેખાય છે.તે નિકાહનામું હોવાનું જણાવાયું છે.
નિકાહનામા પર હસ્તાક્ષરની આ તસવીર નવાબ મલિકે એવા સમયે જાહેર કરી છે જ્યારે તેમના વિરૂદ્ધ દાખલ માનહાનિ અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે.સમીર વાનખેડેના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરૂદ્ધ માનહાનિ કેસ દાખલ કરેલો છે અને વળતર પેટે સવા કરોડ રૂપિયાની માગણી કરી છે.
નવાબ મલિકે સમીર વાનખેડે પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવીને એવો દાવો કર્યો હતો કે, તેમણે નકલી સર્ટિફિકેટના આધારે પોતાને અનુસૂચિત જાતિનો બતાવીને નોકરી મેળવી.નવાબ મલિકની ટીમે બોમ્બે હાઈકોર્ટને સમીર વાનખેડેનું શાળા પ્રવેશ ફોર્મ અને પ્રાથમિક સ્તરના શાળાના સર્ટિફિકેટ પણ પુરાવા તરીકે આપ્યા હતા.
આ સાથે જ નવાબ મલિકની ટીમે એવો દાવો પણ કર્યો છે કે, સમીર વાનખેડેએ પોતાના બચાવ માટે નકલી સર્ટિફિકેટ્સ બનાવડાવી દીધા છે.સમીર વાનખેડેની લીગલ ટીમે કોર્ટમાં સમીર વાનખેડેનું બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું જેમાં તેમનું નામ સમીર જ્ઞાનદેવ વાનખેડે નોંધાયેલું છે.

