અમદાવાદ : દેશની સૌથી મોટી ટાઇલ્સ અને સિરામિક્સની કંપની એશિયલ ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડની ૪૦ પ્રિમાઇસીસ પર ઈનકમ ટેક્સના દરોડાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ જ રહી હતી.તપાસ દરમિયાન અધિકારીઓને વધુ પાંચ કરોડ રોકડા મળ્યા હતા.ઉપરાંત,મોટા પ્રમાણમાં દાગીના પણ મળી આવ્યા હતા. ઇનકમ ટેક્સ અધિકારીઓના જણાવ્યા મુજબ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં થયેલી ગોબાચારી સામે આવે અને કરોડો રૂપિયાની કરચોરી પણ સામે આવે તેવી સંભાવના છે.ગ્રૂપના કમલેશ પટેલ,મુકેશ પટેલ,સુરેશ પટેલ અને ભાવેશ પટેલના મોબાઇલ ફોન તથા લેપટોપમાં પણ ઘણી ચોંકાવનારી વિગતો મળી છે. ફાઇનાન્સરો સંકેત શાહ,રૂચિત શાહ,દીપક શાહ,સેજલ શાહના ઘરે-ઓફિસે ચાલી રહેલી તપાસમાં પણ ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે.તપાસનો રેલો અમદાવાદના ઘણા મોટામાથા સુધી જાય તેવી સંભાવના છે.એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના ચાલાક સંચાલકો દ્વારા ડેટા ઓપરેટરો અને એન્ટ્રી પ્રોવાઇડરોની મદદથી મોટા પ્રમાણમાં બ્લેક અને વ્હાઇટના ખેલ કરવામાં આવ્યા હતા.ફોરેન એકાઉન્ટમાં પણ કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.હવાલાની વિગતો પણ અધિકારીઓને મળી રહી છે.તેમની સામે મની લોન્ડરિંગની ફરિયાદ થવાની સંભાવના પણ છે.
આ જ પ્રકરણમાં સુરતના શેરબ્રોકર ચિરાગ મોઢની ઓફિસ અને ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે.આ તપાસમાં પણ ઘણી ચોંકવાની વિગતો સામે આવી છે.સેજલ શાહની ઓફિસ ઉપરાંત ઘરે ચાલી રહેલી તપાસ દરમિયાન ઘણી જમીનો અને પ્રોપર્ટીની વિગતો,બાનાખત તથા ચિઠ્ઠીઓ મળી આવી છે.પટેલ બંધુઓ દ્વારા સરખેજ-મકરબાના કેટલા જમીન દલાલો મારફતે મોટા પ્રમાણમાં જમીનમાં પણ રોકાણ કર્યું હોવાની વિગતો મળી રહી છે.તેમણે ઘણા એન્ટ્રી પ્રોવાઇડરોની મદદથી બ્લેકમની આપી તેની વ્હાઇટમાં એન્ટ્રીઓ સેટ કરાવી છે.તેની પણ તપાસ ચાલી રહી છે.
દેશની સૌથી મોટી ટાઇલ્સ અને સિરામિક્સ બનાવતી કંપનીઓ પૈકીની એક એવી એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડની અમદાવાદ ખાતેની મુખ્ય ઓફિસ સહિત કુલ ૪૦ સ્થળે ઇનકમ ટેક્સ દ્વારા દરોડા પાડીને સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.એશિયન ગ્રેનિટોના કમલેશ પટેલ,મુકેશ પટેલ તથા સુરેશ પટેલ અને ભાવેશ પટેલના અમદાવાદ ખાતેના નિવાસસ્થાન,એસ.જી.હાઇવે પરની ઓફિસ અને કંપનીના ફાઇનાન્સરો સંકેત શાહ,રૂચિત શાહ અને દીપક શાહ તથા મહિલા ફાઇનાન્સર સેજલ શાહના ઘર તથા ઓફિસો ઉપરાંત મોરબી,હિંમતનગર તથા સુરતની ઓફિસો પર પણ દરોડાની કામગીરી ચાલી રહી છે.અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જ રૂ.૧૦ કરોડ રોકડા અને બાર બેંક લોકરની વિગતો મળી છે.મોટા પ્રમાણમાં જમીનના દસ્તાવેજો તથા બ્લેક એન્ડ વ્હાઇટની એન્ટ્રીઓ મળી છે.


