મુંબઈ : સાઈબર ક્રિમિનલો દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને બદનામ કરવાના અને બ્લેકમેલ કરવાના કિસ્સામાં આઠ ગણો વધારો થયો છે.સાઈબર સેલ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને તેથી મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા લગ્ન કરવાના ઈચ્છુક યુવક-યુવતી શોધનારા પર સાઈબર ગુનેગારોની નજર છે.
સાઈબર નિષ્ણાંતોના મતે વિવાહ ઈચ્છુક યુવક-યુવતીઓ વિભિન્ન પ્રકારની મેટ્રિમોનિયલ વેબસાઈટથી પાર્ટનરની શોધ કરતા હોય છે.એના લાભ આ સાઈબર ગુનેગારો ઉઠાવે છે.સાઈબર ઠગો સૌ પ્રથમ તો સોશિયલ મીડિયા દ્વારા વિભિન્ન ઓનલાઈન પ્લેટફોર્મ અને મેસેજિંગ એપ પર રહેલા લોકોની અંગત જાણકારી મેળવે છે.ત્યાર બાદ તેમની સાથે મિત્રતા કરીને પછી પ્રેમજાળમાં ફસાવે છે.પછી તેમના ફોટો, સંબંધીઓના નંબર તેમજ અન્ય જાણકારી મેળવીને તેના બળે તેમની પાસેથી નાણા વસૂલે છે.પૈસાની આનાકાની કરનારાને બદનામીનો ડર દેખાડીને બ્લેકમેલ કરવામાં આવે છે.
હાલમાં જ બનેલા એક કિસ્સામાં મુંબઈના ઉપનગરમાં રહેતી એક યુવતીએ વિખ્યાત મેટ્રિમોનિયલ વેબસાઈટ પર પોતાની માહિતી અપલોડ કરી.પણ થોડા દિવસ પછી તેનો ફોટો એડિટ કરીને મોર્ફ કરવામાં આવ્યો અને પછી તેની બદનામી કરવામાં આવી અને પછી મોટી રકમની માગણી કરવામાં આવી.જો કે આ કન્યાએ સમજદારી દાખવીને મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.તપાસમાં જાણ થઈ કે આરોપીએ કન્યાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના ફોટા મેળવીને તેને મોર્ફ કર્યા અને પછી તેના મંગેતરને મોકલ્યા. મંગેતરે ફોટા જોઈને તેની સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો.નિષ્ણાંતોના મતે લોકોએ આવી બાબતોમાં ધૈર્ય વર્તવું જોઈએ.આવા ફોટા મળતા તે અસલી છે કે મોર્ફ કરેલા છે તે સાદી સમજથી જાણી શકાય છે.