બારડોલી : સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કામરેજ તાલુકાનાં કરજણ ગામે ફાર્મ હાઉસમાં જુગાર રમી રહેલા સુરત શહેરના આઠ શખ્સોને રંગે હાથ પકડી પાડી તેમની પાસેથી 3.15 લાખ રૂપિયા રોકડા,મોંઘા મોબાઇલ અને લક્ઝરીયસ કાર મળી કુલ રૂ. 38.40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની ટીમ અલગ અલગ ટીમો બનાવી કામરેજ અને કીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.આ દરમ્યાન ASI અજય રામલાલ અને હે.કો. હરસુર નાનુને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે કરજણ ગામની સીમમાં આવેલા જીતેશભાઈ જયંતિભાઈ ભારોલિયાની માલિકીના ફાર્મ હાઉસમાં પરેશભાઈ વીરજીભાઈ માંગુકિયા (રહે. મોટાવરાછા, સુરત) બહારથી માણસો બોલાવી તેઓ સાથે પૈસા વડે ગંજીપાનાનો જુગાર રમી રમાડી રહેલ છે.આ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો માર્યો હતો.જ્યાં જુગાર રમી રહેલા સુરતના મોટા વરાછામાં આવેલી જયસોમનાથ સોસાયટીમાં રેહતો પરેશ વીરજી માંગુકિયા,સુરતના વેસુ વિસ્તારમાં આવેલી શુકન રેસિડેન્સીમાં રહેતો મયુર ભાનુ ગોધાણી,સુરતના કતારગામની સરિતાસોસાયટીમાં રહેતો જયેશ કાળુ પટેલ, કતારગામ વેડ રોડ પર આવેલી માનસરોવર સોસાયટીમાં રહેતો કુંવરજી ડાહ્યા જીવાણી,મોટા વરાછાના વાલ્કેશ્વર રો હાઉસ ખાતે રહેતો ભરત વલ્લભ વઘાસિયા,વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ નજીક સોમેશ્વર સોસાયટીમાં રહેતો વિપુલ રાઘવ પટેલ,ચેતન બાબુ ગાભાણી અને મોટા વરાછાની રિવર કેવન સોસાયટીમાં રહેતો ધર્મેશ કાળુ માંગુકિયાને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 3 લાખ 15 હજાર 350, આઠ નંગ મોબાઇલ ફોન કિંમત રૂ. 1.25 લાખ,એક મર્સિડિઝ કાર કિમત રૂ. 25 લાખ,મારુતિ અર્ટિગા કાર કિમત રૂ. 3.50 લાખ,માઈક્રા નિશાન કાર કિંમત રૂ. 3 લાખ અને હોંડા કાર કિંમત રૂ. 2.50 લાખ મળી કુલ 38 લાખ 40 હજાર 350 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.