અમદાવાદ,તા.15 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર : ખાડિયામાં ધોળેદહાડે જાહેરમાં ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની હત્યા કરનાર કુખ્યાત ડોન મોન્ટુ નામદારની પત્ની નમ્રતા દ્વારા શહેર ક્રાઇમબ્રાંચ વિરૂધ્ધ કરેલી કન્ટેમ્પ્ટ પિટિશનનનો ગુજરાત હાઇકોર્ટે આખરે નિકાલ કર્યો હતો.પ્રસ્તુત કેસમાં ક્રાઇમબ્રાંચે ફરિયાદીની ફરિયાદમાં કોઇ ગુનો બનતો નહી હોવાનો સમરી રિપોર્ટ પણ ફાઇલ કરાયો હોવાની હાઇકોર્ટને જાણ કરાતાં હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચ વિરૂધ્ધની કન્ટેમ્પ્ટ પ્રોસીડીંગ્સ પણ પડતી મૂકી હતી.
ફરિયાદીના ફરિયાદમાં કોઇ ગુનો બનતો નહી હોવા અંગે હાઇકોર્ટને જાણ કરાતાં કેસનો નિકાલ
હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચ દ્વારા લેવાયેલા નિર્ણયને રેકર્ડ પર લીધો હતો અને ડોન મોન્ટુની પત્ની નમ્રતાએ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.પી.ચુડાસમા વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ પિટિશનનો નિકાલ કર્યો હતો.અરજદારે પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે, ગત તા.૧૧-૧૨-૨૦૨૦ના રોજ અરજદારના પિતાનું નિધન થયું હતું.ત્યારબાદ ખુદ અરજદારના સગા ભાઇઓ અને બહેને તેના પિતાની ખોટી સહીઓ કરી બોગસ વીલ ઉભુ કરી દસ્ક્રોઇ તાલુકાના ગામડી સીમની જમીનોની વડીલોપાર્જિત મિલ્કતમાં અરજદારનો હક્ક ડુબાડી તેણીને વંચિત કરી તેઓના નામે મિલ્કત ટ્રાન્સફર કરાવી લીધી હતી.આ અંગે અરજદારે દ્વારા ગત તા.૧૨-૧૧-૨૦૨૧ના રોજ ક્રાઇમબ્રાંચમાં તેના ભાઇઓ અને બહેન વિરૂધ્ધ ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ કોઇ કાર્યવાહી નહી થતાં અરજદારે અગાઉ હાઇકોર્ટમાં રિટ કરી હતી,જેમા હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચના એસીપીને આ અંગે કાયદાનુસાર નિર્ણય લેવા હુકમ કર્યો હતો પરંતુ તેમછતાં આઠ મહિના બાદ પણ કોઇ કાર્યવાહી નહી થતાં અરજદારને આ કન્ટેમ્પ્ટ અરજી કરવાની ફરજ પડી છે.
દરમ્યાન સરકારપક્ષ તરફથી હાઇકોર્ટને જાણ કરાઇ હતી કે, ફરિયાદીની ફરિયાદમાં ક્રાઇમબ્રાંચે કોઇ ગુનો બનતો નહી હોવાનો નિર્ણય કરી દીધો છે અને તે અંગ સમરી રિપોર્ટ પણ સક્ષમ કોર્ટમાં ફાઇલ કરી દીધો છે ત્યારે હવે આ કન્ટેમ્પ્ટ પિટિશનનો કોઇ અર્થ રહેતો નથી., તેથી હાઇકોર્ટે તે કાઢી નાંખવી જોઇએ.
ભાજપના કાર્યકરની હત્યામાં ડોન મોન્ટુ ચાર મહિનાથી જેલમાં
ચારકે મહિના પહેલાં શહેરના ખાડિયા વિસ્તારમાં ભાજપના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબીની જાહેરમાં બેઝબોલના ફટકા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી.ચકચારભર્યા મર્ડર કેસમાં આરોપી મોન્ટુ નામદાર સાબરમતી જેલમાં છે.કોર્ટે પણ મોન્ટુ નામદારને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.