કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે.અમિત શાહે શ્રીનગર પહોંચ્યા બાદ જમ્મુ કાશ્મીર પોલીસમાં CIDના શહીદ ઈન્સ્પેકટર પરવેઝ અહેમદ ડારની પત્ની ફાતિમા અખ્તર સાથે મુલાકાત કરી હતી.આ પહેલા ઉપરાજયપાલ મનોજ સિંહાએ એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કર્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહની 23 ઓકટોબરના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાતને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવામાં આવી છે.આ માટે સીઆરપીએફની વીઆઈપી ટુકડી શુક્રવારે જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ હતી.રેલી સ્થળ ભગવતી ગ્રાઉન્ડના સિનિયર અધિકારીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી.આ સાથે જ વિશેષ ટુકડીના કમાન્ડોએ પણ સમીક્ષા કરી હતી.આ કમાન્ડો શનિવારે રેલી સ્થળને પોતાના ઘેરાવમાં લઈ લેશે.જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ મુખ્ય રૂપે રેલીમાં તહેનાત રહેશે. ત્રણ હજાર સુરક્ષા જવાનો તહેનાત રહેશે.એસએસબી,સીઆઇએસએફના જવાનોને પણ સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત રહેશે.
ગૃહમંત્રી અમિત શાહ 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ લગભગ 25 મહિના બાદ પ્રથમ વખત શનિવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.ઘાટીમાં હાલમાં આતંકી ઘટનાઓમાં સામાન્ય લોકો પર હુમલા બાદ સુરક્ષાની દૃષ્ટિએ શાહનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો છે.શાહ અહીં ત્રણ દિવસ રહેશે.શ્રીનગર પહોંચ્યા બાદ LG મનોજ સિંહની સાથે રાજભવન જશે.અહીં તેઓ RAW પ્રમુખ સામંત કુમાર ગોયલ,સેનાના મોટા અધિકારીઓ, IB ચીફ સહિત 12 મોટા સુરક્ષા અધિકારીઓએ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરશે.
યુનિફાઇડ કમાન્ડ બેઠકમાં ભાગ લેનારાઓમાં IB ચીફ અરવિંદ જુમાર,ડીજીપી CRPF અને NIA કુલદીપ સિંહ, DGP NSG અને CISF એમ ગણપતિ,ડીજીપી BSF પંકજ સિંહ,ડીજીપી જમ્મુ-કાશ્મીર દિલબાગ સિંહ,આર્મી કમાન્ડર અને ટોચના કોર્ટ કમાન્ડો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
ખીણમાં સુરક્ષા કડક કરવામાં આવી છે
ગૃહમંત્રીની મુલાકાત માટે સમગ્ર કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. IB, NIA, આર્મી, CRPFના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કેમ્પ કરી રહ્યા છે.તેઓ દરેક ઇન્ટેલિજેન્સ ઇનપુટ્સ મોનિટરિંગ કરી રહ્યા છે.શ્રીનગરમાં પેરા મિલેટરીના વધારાના જવાનોની પણ તહેનાતી કરવામાં આવી છે.સમગ્ર કેન્દ્ર શાસિત પરદેશમાં CRPFની 10 અને BSFની 15 વધારાની કંપનીઓને તહેનાત કરવામાં આવી છે.આ સાથે જ ડ્રોન અને ઇન્ટેલિજન્સ કેમેરા દ્વારા તમામ જગ્યાએ બાજનજરથી દેખરેખ કરવામાં આવી રહી છે.સીઆરપીએફની એક ટુકડી દાલ તળાવ અને જેલમ નદીમાં પેટ્રોલિંગ કરી રહી છે.દરેક રસ્તા અને ગલીમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
શાહનો પ્રવાસ આતંકીઓ માટે સંદેશ
શાહના આ પ્રવાસને ઘાટીમાં હાલમાં જ આતંકીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાને જોડીને જોવાઈ રહ્યો છે.ખરેખર, છેલ્લા 15 દિવસમાં અલગ-અલગ ઘટનાઓમાં આતંકીઓ બિન-કાશ્મીરીઓને ટાર્ગેટ કરીને હત્યાઓ કરી રહ્યા છે.હાલમાં જ આવા હુમલાઓમાં 11 લોકો માર્યા ગયા છે.જ્યારે સેનાએ પણ આતંકીઓને જવાબ આપવા માટે ઘાટીમાં ઓપરેશન ક્લીન હાથ ધર્યું છે.છેલ્લા 15 દિવસમાં કાશ્મીર ઘાટીમાં સેનાની સાથે 11 જેટલી અથડામણમાં 17 આતંકીઓ ઠાર મરાયા છે.જ્યારે 9 જવાન શહીદ થયા છે.અમિત શાહ જમ્મુ-કાશ્મીરની આ મુલાકાત દ્વારા આતંકીઓને એક સંદેશ પણ આપવા માંગે છે.તેમણે સેનાને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે.
તિરંગાથી સુશોભિત શ્રીનગર, શાહના પોસ્ટરો પણ લગાવાયા છે
શાહની જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર શ્રીનગરમાં લગભગ તમામ રસ્તાઓની બંને બાજુએ મોટી સંખ્યામાં તિરંગા ઝંડાઓ લગાવવામાં આવ્યા છે.દાલ તળાવથી હોટલ સેંટોર વાળો રસ્તો પણ શણગારવામાં આવ્યો છે.શાહ સ્વાગત માટેના મોટા-મોટા હોર્ડીંગ્સ અને પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.

