– પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું કે ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારો પાસેથી બાંહ્યધરી નહીં ડિપોઝીટ લેવી જોઇએ
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી કોંગ્રેસે બાંહ્યધરી લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.પાર્ટી ટિકીટ આપે અને ઉમેદવાર જીતે તો કાયમ માટે તે કોંગ્રેસમાં જ રહેશે,તેણે પાર્ટી છોડવાની નથી તેવા પ્રકારનું વચન ઉમેદવારે આપવાનું રહેશે અને તો જ તેને ટિકીટ આપવામાં આવશે.
રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત,નગરપાલિકા અને મહાનગપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે.જે કાર્યકરો ઉમેદવાર બનવા માગે છે તેઓએ આ વખતે ફોર્મ ભરતી વખતે બાંહ્યધરી આપવી પડશે.આ જોગવાઇ ફરજીયાત બનાવવામાં આવી છે.
સ્થાનિક ચૂંટણીમાં ચૂંટાઇ આવ્યા પછી હોદ્દા અને પદની લાલચમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો ભાજપમાં જોડાઇને કોંગ્રેસની બોડીને તોડી નાંખે છે અને ભાજપ્ને સત્તા અપાવે છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ આ વખતે એવું નક્કી કર્યું છે કે ટિકીટ મેળવ્યા પછી ઉમેદવાર જીતે તો કોંગ્રેસમાં જ રહેશે તેવું બાંહ્યધરી પત્રક આપવાનું રહેશે.જો કે આ બાંહ્યધરી પત્રકનો કોઇ અર્થ એટલા માટે નથી કે કાયદાકીય રીતે ચૂંટાયેલા સભ્યને દૂર કરી શકાતો નથી. આ પાર્ટીનો ઇન્ટરનલ મામલો છે.
કોંગ્રેસના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે જો કોંગ્રેસ ટિકીટવાંછુંઓને તક આપે છે તો તેમની પાસેથી ડિપોઝીટ તરીકે પાર્ટી ફંડના નાણાં લેવા જોઇએ.તાલુકા પંચાયતમાં 10,000, જિલ્લા પંચાયતમાં 25000, નગરપાલિકામાં 50000 અને મહાનગરપાલિકામાં 1 લાખ રૂપિયા લેવા જોઇએ.જો ઉમેદવાર જીતી જાય તો તેને ડિપોઝીટ પાછી આપવામાં આવે અને હારી જાય તો પાર્ટી ફંડ તરીકે આ ડિપોઝીટ જમા લેવામાં આવે. જો આમ થશે તો ઇચ્છુક ઉમેદવારો આપોઆપ ઓછા થઇ જશે અને પાર્ટી આસાનીથી તેનો ઉમેદવાર મૂકી શકશે.
આ નેતાએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષપલ્ટુઓથી પરેશાન છે.સ્થાનિક ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પાર્ટી બદલી નાંખે છે અને ભાજપમાં જોડાઇ જાય છે ત્યારે કોંગ્રેસ સત્તાથી વંચિત રહી જાય છે.રાજ્યસભાની ચૂંટણીમાં તો પદ અને રૂપિયાની લાલચમાં કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી બદલતાં વિચાર પણ કરતાં નથી ત્યારે પાર્ટીએ કેટલાક પરિવર્તન કરવાની આવશ્યકતા છે.
કોંગ્રેસની બાંહ્યેધરી ફોર્મ્યુલા પ્રમાણે ઉમેદવારી કરતા માગતા નેતાઓએ બે નેતાની બાંહ્યધરી આપવાની રહેશે કે તે કોંગ્રેસમાંથી ચૂંટણી લડે અને જીતે પછી પક્ષ છોડીને બીજા પક્ષમાં જશે નહીં.ગુજરાતમાં છ મહાનગર, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી થવાની છે. 1લી ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પડશે.હાલ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ટિકીટવાંછુઓ માટે નવા નિયમો બનાવ્યા