પ્રયાગરાજ : સસ્પેન્ડ કરાયેલા ભાજપના નેતા નૂપુર શર્માના નિવેદનનો વિવાદ દેશભરમાં ચગ્યો હતો.જે બાદ કેટલાક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળી હતી જેમાં પ્રયાગરાજનો પણ સમાવેશ થાય છે.પ્રયાગરાજમાં જે પણ હિંસાખોરો સામેલ હતા તેમની તસવીરો સાથે પોસ્ટરો જાહેર કરાયા છે.આ પોસ્ટરોમાં ૬૦ જેટલા હિંસાખોરોની ઓળખ જાહેર કરાઇ છે.
પોલીસે જણાવ્યું હતું કે હિંસામાં સામેલ લોકોના પોસ્ટરો જાહેર કરીને તેમની ધરપકડમાં મદદ કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.બાદમાં તેમની ગેરકાયદે સંપત્તિ પર બુલડોઝર પણ ફેરવવામાં આવી શકે છે.પશ્ચિમ બંગાળમાં પણ હિંસાની ઘટના સામે આવી હતી બંગાળ સરકારે કોલકાતા હાઇકોર્ટમાં આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે હિંસામાં સામેલ કુલ ૨૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.જોકે છેલ્લા બે દિવસથી રાજ્યમાં હિંસાની કોઇ ઘટના સામે નથી આવી.જ્યારે પ્રયાગરાજમાં અત્યાર સુધીમાં કુલ ૯૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઝારખંડમાં ૧૨મીએ છેડછાડની એક ઘટના બાદ બે કોમ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો.ઝારખંડના ગિરિડીહ વિસ્તારમાં સાંપ્રદાયિક તનાવની સ્થિતિ છે,અહીંયા હિન્દૂઓની દુકાનો અને મકાનો પર વેચવાનું છે તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.આવા આશરે ૧૫૦ જેટલા હિન્દૂઓએ પોતાની દુકાનો અને મકાનો પર વેચવા કાઢ્યા હોવાના પોસ્ટરો લગાવ્યા છે.૧૨મી જૂનની રાત્રે આ વિસ્તારમાં હિંસાની ઘટના સામે આવી હતી.જે બાદ અહીંયા વસતા હિન્દૂઓ મકાનો ખાલી કરવા લાગ્યા છે.અને પોતાની સંપત્તિને વેચવા કાઢી હોવાના પોસ્ટરો લગાવી રહ્યા છે.જોકે પોલીસ પ્રશાસને દરેક પીડિતોને સુરક્ષા પુરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.બીજી તરફ સુપ્રીમ કોર્ટ સરકાર દ્વારા ચાલી રહેલા ડિમોલિશન ડ્રાઇવ સામે થયેલી અરજીની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે.

