– લોકો માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ લઈ જતા ટ્રકો-ટ્રક ચાલકોને રસ્તામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે : ઠેર-ઠેર ‘પ્રસાદી’ આપવી પડે છે : પોલીસનો ત્રાસ સહન કરવો પડે છે : રાજસ્થાનમાં ટ્રક ચાલકો પર લાઠીચાર્જ : અનેકના કાચ તૂટયા : દિલ્હી જતા ૩૦૦ ટ્રકોને પાછા મોકલી દેવાયાઃ મધ્યપ્રદેશમાં ૮૦૦થી ૩૦૦૦ રૂા.ગેરકાનૂની રીતે ઉઘરાવાય છે : ટ્રક ચાલકો સાથે ખરાબ વ્યવહાર કરાય છે : સંગઠન લાલઘુમ
નવી દિલ્હી, તા. ૧૧ :. આવશ્યક ચીજવસ્તુઓના વહનમાં લાગેલા ટ્રક ચાલકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.કેટલાક રાજ્યોની સરહદો પર વધુ પ્રવેશ ફી અને પોલીસ કાર્યવાહીને કારણે ૩૦૦ ટ્રકોમાં ભરેલા ૯ કરોડ રૂપિયાની કિંમતના ફળ અને શાકભાજી ખરાબ થઈ ગયા છે.ગૃહ મંત્રાલયે ટ્રાન્સપોર્ટરો માટે દિશાનિર્દેશો જારી કર્યા છે છતા અનેક ટ્રક ચાલકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.એ જોતા ટ્રક ચાલકોના સંગઠને પુરવઠો અટકશે તેવી ચેતવણી આપી છે.
ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે ટ્રક ચાલકો સાથે ખરાબ વ્યવહાર અને તોછડાઈના મામલા આસામ,બિહાર,પંજાબ અને હરીયાણા સહિત અનેક રાજ્યોમાં જોવા મળ્યા છે.સંગઠને જણાવ્યુ છે કે કોરોના યોદ્ધાઓ સાથે જો આ પ્રકારના અમાનવીય વ્યવહાર થશે તેનાથી પુરવઠાની ચેઈન અટકી જશે.સરકારે આદેશ આપ્યા છતા જમીન પરની સ્થિતિ અલગ છે.જો સરકાર હસ્તક્ષેપ નહી કરે તો ટ્રકો ચલાવવાનું મુશ્કેલ બનશે.આ સંગઠન ૯૫ લાખ ટ્રક ચાલકોનું પ્રતિનિધિત્વ કરે છે.આ સંસ્થાના અધ્યક્ષ કુલતરણસિંહે જણાવ્યુ છે કે ફળ અને શાકભાજી લઈને દિલ્હી જઈ રહેલા ૩૦૦ વાહનોને શનિવારે રાજસ્થાનમાં ૩ થી ૫ કલાક અટકાવાયા હતા.અધિકારીઓના હસ્તક્ષેપ બાદ તેઓને આગળ જવા પરવાનગી અપાઈ હતી, પછી બીજા સ્થળે ટ્રકો અટકાવવામાં આવ્યા હતા.પોલીસે ટ્રક ચાલકો પર લાઠીઓ વરસાવી હતી અને કેટલાકના કાચ તોડયા હતા અને ટ્રકોને પાછા ચાલ્યા જવા કહ્યુ હતુ.તેમણે કહ્યુ હતુ કે અમે મોડી રાત્રી સુધી પ્રયાસો કર્યા છતા ટ્રકોને આગળ જવા નહોતા દેવાયા.આનાથી કરોડો રૂપિયાના ફળ અને શાકભાજી ખરાબ થઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટરોને નુકશાન થયુ છે.
સંગઠનના મહામંત્રી નવીન ગુપ્તાએ કહ્યુ છે કે જો ટ્રકોમાં સામાન્ય રીતે ૩ લાખ રૂપિયાના ફળ અને શાકભાજી ગણવામાં આવે તો ૩૦૦ ટ્રકોમાં લગભગ ૯ કરોડનો માલ ખરાબ થઈ ગયો.ટ્રકોને અટકાવાયા અને પરત મોકલી દેવાયા હતા.તેમણે કહ્યુ હતુ કે તમામ જગ્યાએ ટ્રક ચાલકોને મુશ્કેલી પડી રહી છે.કુલ ટ્રકોમાંથી ફકત ૩૦ ટકા સરકારની પરવાનગીથી રસ્તા પર દોડે છે પરંતુ તેને પણ હેરાન કરાય છે હવે સરકારે કોઈ પગલા લેવા જોઈએ.તેમણે કહ્યુ હતુ કે મધ્યપ્રદેશમાં ટ્રક ચાલકો ગેરકાનૂની વસુલાતની ફરીયાદો કરી રહ્યા છે.રાજ્યમાં પ્રવેશ માટે ટ્રક ચાલકો પાસેથી ૮૦૦ થી ૩૦૦૦ રૂા. માંગવામાં આવી રહ્યા છે.મિઝોરમમાં પણ આવુ બન્યુ છે.૪ ટ્રક બીએસએનએલ માટે માલ લઈ જતા હતા તેમને બોર્ડર પર રોકી દેવાયા.સંગઠને જણાવ્યુ છે કે આ ક્ષેત્રે ૨૦ કરોડ લોકો સીધા કે પરોક્ષ રીતે જોડાયેલા છે.આ લોકોને સરકારે મદદ કરવી જોઈએ.