મહેસાણા : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કાંઠાવાળા વિસ્તારના ખેડૂતોની સિંચાઈ સહિત પાણીની માગણીઓ ન સંતોષાતાં આજે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવા મામલે કલેકટરને આવેદનપત્ર અપાયું છે.ખેરાળુ તાલુકાના ડાવોલ, વરેઠા તેમજ ડાલીસણા ગામના ખેડુતો રજૂઆત કરવા જોડાયા હતા.
ખેરાલુ તાલુકામાં રૂપેણ નદીના કાંઠા વિસ્તારના ગામો પૈકી ડાવોલ,વરેઠા તેમજ ડાલીસણાના ખેડૂતોની સિંચાઈ સહિત પાણીની વિવિધ માંગણીઓ નહીં સંતોષાતાં રોષ જોવા મળ્યો છે.જેમાં કૂડા ફિડરથી વરસંગ તળાવ સુધી સુજલામ-સુફલામ યોજનામાં તળાવો ભરવા માટે પાઈપલાઈન નાંખેલ છે.પાઈપલાઈનમાં પાણી ચાલુ કરી વરસંગ તળાવ ભરી પાણી રૂપેણ નદીમાં વહેતું કરી ચીમનાબાઈ તળાવ સુધી પહોંચાડવું.જેથી કાંઠા વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેવી માગ છે.
ઉપરાંત સિંચાઈના પાણી માટે આ વિસ્તારના ખેડૂતોનો ધરોઈ કમાન્ડમાં સમાવેશ કરવામાં આવે,ચોમાસા દરમિયાન નદીમાં વહિ જતું ફાજલ ધરોઈ યોજનાનું પાણી આ વિસ્તારના તળાવોમાં ભરી લીફ્ટ કરી ગામેગામ પહોંચાડવામાં આવે અને સુજલામ-સુફલામ યોજનાની પાઈપ લાઈનનો 5 કિમી સુધી વધારો કરી તળાવો ભરવાની માગણી સંતોષવામાં આવી નથી.આ મામલે ઉપરોક્ત ત્રણ ગામના ખેડૂતોની માંગણી સંતોષવામાં ન આવતાં જિલ્લા-તાલુકા પંચાયતની યોજાનાર ચૂંટણીનો બહિષ્કાર કરવા ચિમકી ઉચ્ચારાઈ છે.


