ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે નવી સરકાર બનાવવા માટેની કવાયત શરૂ થઈ છે.ભાજપે સતત 7મી વખત સત્તા કબજે કરવામાં સફળતા મેળવી છે.આ વખતે વિધાનસભામાં પહોંચનાર 182 ધારાસભ્યોમાંથી 40 MLA સામે ગુનાકિય કેસ નોંધાયેલા છે.એટલે કે 22% MLA સામે ગુનાઓ નોંધાયેલા છે.ભાજપના એક ધારાસભ્ય રેપ કેસના આરોપી છે.જ્યારે કોંગ્રેસ,આપ અને ભાજપના એક ધારાસભ્ય સામે છેડતીનો કેસ છે.ગત વખતની તુલનાએ આ વખતે ચૂંટણીમાં ક્રિમિનલ કેસમાં આરોપી ધારાસભ્યની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.વર્ષ 2017માં ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી 47 એટલે કે 26% ગુનાકિય ઈતિહાસ ધરાવતા હતા.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ગુજરાતી ઈલેક્શન વોચ દ્વારા તમામ 182 ધારાસભ્યની ચૂંટણી એફિડેવિટનું એનાલિસિસ કર્યું છે.રિપોર્ટ મુજબ નવા ચુંટાયેલા 40 ધારસભ્યો વિરૂદ્ધ ગુનાકિય કેસ પેન્ડિંગ છે. ADRના એનાલિસિસ મુજબ 40માંથી 29 સભ્ય સામે એટલે કે 16% ગંભીર ગુનાના કેસમાં ફસાયેલા છે.જેમાં મર્ડર અને રેપના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ છે.આ 29 સભ્યમાંથી 20 ભાજપના છે,જ્યારે 4 કોંગ્રેસ, 2 આમ આદમી પાર્ટી, 2 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટીના છે.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 33 એટલે કે 18% MLA સામે ગંભીર ગુનાઓ હતા.
ભાજપના 26 ધારાસભ્ય સામે ગુનાકિય કેસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બર આવ્યા, જેમાં ભાજપે રેકોર્ડબ્રેક 156 સીટ જીતી છે.કોંગ્રસે 17 અને આપે 5 સીટ જીતી છે.ADRના સ્ટડી મુજબ ભાજપના 156 ધારસભ્યમાંથી 26 એટલે કે 17%, કોંગ્રેસના 17 ધારાસભ્યમાંથી 9 એટલે કે 53%, આપના 5માંથી 2 ધારાસભ્ય એટલે કે 40%, અપક્ષના 3 MLAમાંથી 2 એટલે કે 68% અને સમાજવાદી પાર્ટીના એક માત્ર ધારાસભ્ય (કાંધલ જાડેજા) સામે ગુનાકિય કેસ પેન્ડિંગછે.
ગંભીર ગુનાવાળા MLA
જીતેલા ઉમેદવાર પૈકી ગંભીર ગુનાઓ ધરાવતા હોય તેવા ઉમેદવારમાંથી ભાજપના 156 ધારાસભ્યોમાંથી 20 એટલે કે 13%, કોંગ્રેસના 17 ઉમેદવારમાંથી 4 એટલે કે 24%, AAPના 5 ઉમેદવાર પૈકી 2 એટલે કે 40%, અપક્ષના 3 ઉમેદવાર પૈકી 2 એટલે કે 68% અને SPના 1 ઉમેદવારમાંથી 1 એટલે કે 100% સામે ગંભીર ગુનાઓ દાખલ છે.
ચૂંટણીમાં જીત મેળવનાર 3 ઉમેદવાર પર હત્યાના પ્રયાસ અંગેના ગુના દાખલ છે જેમાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંતકુમાર પટેલ,કોંગ્રેસના જ પાટણના ધારાસભ્ય કિરીટકુમાર પટેલ અને ભાજપના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ છે.
જીતેલા ઉમેદવાર વિરૂદ્ધ મહિલાઓ સામેના ગુનાઓ દાખલ છે જેમાં ભાજપના શેહરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ,લાઠીના ભાજપના ધારાસભ્ય જનકભાઈ તલાવિયા,વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી,આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે.


