મુંબઈ : સાયબર અપરાધોની ચકાસણી માટે રાજ્યની મુખ્ય એજન્સી મહારાષ્ટ્ર સાયબરને ૨૦૨૦માં કોવિડ મહામારી ફેલાઈ ત્યારથી ૧,૯૦૦થી વધુ ફરિયાદો મળી છે.ઓથોરિટીએ તાજેતરમાં ગૂગલની અમેરિકા સ્થિત ઓફિસને નોટિસ મોકલીને ઉધાર લેનારા પાસેથી નાણા વસૂલવા માટે અનૈતિક પ્રથાઓનો ઉપયોગ કરતી શંકાસ્પદ ૬૯ એપ્સને દૂર કરવા જણાવ્યું હતું.મહારાષ્ટ્ર સાયબરના સુપરીન્ટેન્ડન્ટ સંજય શિન્ત્રેએ જણાવ્યું કે અમે હજી ૧,૧૩૦ ફરિયાદોની ચકાસણી કરી રહ્યા છીએ.તેમણે ઉમેર્યું કે અત્યાર સુધી ચકાસવામાં આવેલી ફરિયાદો પૈકી ઓછામાં ઓછી ૩૭૬ અરજીઓ લોન રિકવરી એજન્ટો સંબંધિત હતી જેમાં તેમણે ઉધાર લેનારના ફોટા વાંધાજનક રીતે મોર્ફ કરવાની ધમકી આપી હતી.ઉલ્લેખનીય છે કે લોન આપનારી એપ્સ તાત્કાલિક લોન પર અતિશય વ્યાજ ચાર્જ કરે છે અને કોન્ટેક્ટ્સ તેમજ ફોટા સહિત ઉધાર લેનારની ગોપનીય માહિતી મેળવીને તેમને બ્લેકમેલ કરે છે.મહારાષ્ટ્ર સાયબરે ગૂગલને રદ કરવા માટે જે એપ્સની યાદી મોકલી છે તેમાં કેશ એડ્વાન્સ,કોશ,યેસ કેશ,હેન્ડી લોન અને મોબાઈલ કેશ સામેલ છે.