ચીખલી : ચીખલી તાલુકા પંચાયતમાં યોજાયેલ સામાન્ય સભામાં વર્ષ 2022-23ના 3.59 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી અપાઇ હતી.આ પૂર્વે યોજાયેલ કારોબારી સમિતિમાં તાલુકા પંચાયતની ગોડાઉનની જમીનમાં શોપિંગ સેન્ટરના બાંધકામ સહિતના મહત્વના ઠરાવો પસાર કરાયા હતા.
ચીખલી તાલુકા પંચાયતના સભાખંડમાં કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈના અધ્યક્ષ સ્થાને પીઓ કમ ટીડીઓ હિરેન ચૌહાણ,પ્રમુખ કલ્પનાબેન,કારોબારી સમિતિના સભ્યો દમયંતિબેન આહીર,નીતાબેન,અશ્વિનભાઈ,નરેન્દ્રભાઈ,પંકજભાઈ,જશુભાઈ, જગનભાઈ,રમેશભાઈ સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં તાલુકા પંચાયતના ગોડાઉનવાળી જગ્યામાં તાલુકા પંચાયતની એક કાયમી આવક ઉભી કરવાના હેતુથી શોપીંગ સેન્ટરના બાંધકામ માટે ઠરાવ કરવા સાથે નાણાકીય જોગવાઈ અંગે ચર્ચા કરી હતી.
ગોડાઉન અને પથિકાશ્રમવાળી જમીનના રેકર્ડ અંગેની કામગીરી પણ સુનિશ્ચિત કરાઈ હતી.બાદમાં ઉપપ્રમુખ જીગ્નેશ ગાવિત,શાસક પક્ષના નેતા મહેશભાઈ દંડક,સ્નેહલ નાયક,ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવ બારોટ,સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં નાયબ હિસાબનીશ અશોકભાઈ તથા યોગેશભાઈ દ્વારા બજેટ અંગેની વિસ્તૃત જાણકારી અપાઇ હતી.પ્રમુખ કલ્પનાબેન ગાવિતે બજેટને આવકરાતા જણાવ્યું હતું કે આરોગ્યક્ષેત્રે પણ સારી જોગવાઈ સાથે આપત્તિના સમયે લોકોને મદદરૂપ થઇ શકાય તે માટે ઉપરાંત રસ્તા, પાણી સહિત જાહેર બાંધકામોની પણ જોગવાઈ કરાઈ છે.
ટીડીઓ હિરેનભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે નવસારી જિલ્લો કુપોષણમુક્ત થાય તે માટે સાંસદ સી.આર.પાટીલ દ્વારા પણ આહવાન કરાયું છે ત્યારે તેમાં સહાયરૂપ થવાના ભાગરૂપે આંગણવાડીના ભૂલકાઓને પોષણયુક્ત પ્રોટીન પાઉડર માટેની પણ જોગવાઈ કરાઇ છે.
સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય ભીખુભાઇ ગરાસિયા, અંજલિબેન પટેલ સહિતના પ્રશ્નોના જવાબમાં પ્રમુખ કલ્પનાબેન ગાવિતે જણાવ્યું હતું કે સરકારની માર્ગદર્શિકા મુજબ વિકાસના કામો માટે ટેન્ડર પ્રક્રિયા કરી છે. 1થી 5 ધોરણમાં 46 શિક્ષકોની ઘટ પૈકી 27 જેટલા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરાઇ છે.સાથે રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરાયેલી છે.તાલુકામાં કોરોનામાં મૃત્યુ થયેલ 399 લોકોના વારસદારોને સહાય ચૂકવાઇ છે.આ ઉપરાંત તાલુકામાં 79 પૈકી 10 જેટલા સબ સેન્ટર જર્જરિત હોવાનું જણાવ્યું હતું.
આ કામોને વધુ મહત્વ અપાયું
બજેટમાં સ્વભંડોળ આવકમાં આરોગ્ય ક્ષેત્રે રૂ. 15 લાખ, પશુપાલન ક્ષેત્રે 5.60 લાખ,આકસ્મિક આફતો માટે 7 લાખ, વિકાસના કામો માટે 1 કરોડ,આંગણવાડીના અતિકુપોષિત બાળકો માટે પ્રોટીનયુક્ત આહાર 3 લાખ,શોપિંગ સેન્ટરના બાંધકામ માટે રૂ.24 લાખ સહિતની વિવિધ જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટીની 36 લાખ રૂપિયાના આયોજનને પણ બહાલી આપવામાં આવી હતી.