બારડોલી : બારડોલી શહેરના તેન રોડ પર રેલ્વેની હદમાં આવેલ કેબીનો અને પાથરણા વાળાઓને રેલ્વે દ્વારા નોટિસ પાઠવી બે દિવસમાં દબાણ દૂર કરવાની તાકીદ કરતાં કેબિનધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ જેમ તેમ કરીને રોજી રોટી રળી રહેલા કેબિન ધારકોને નોટિસ મળતા જ તેમના પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ નગરપાલિકા દ્વારા યોગ્ય જગ્યા ફાળવવામાં ન આવી હોય કેબીન ધારકોની મુશ્કેલી વધી જવા પામી છે.
ગત વર્ષો દરમ્યાન શાસકો દ્વારા તેન અને અસ્તાન રોડ પરથી કેબીન અને ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ કેબીન ધારકોએ કરેલી રજુઆતને પગલે કલેક્ટર દ્વારા નગરપાલિકાને કેબિનધારકો જગ્યા ફાળવવા જણાવાયું હતું.જો કે પાલિકા દ્વારા કોઈ પગલાં નહીં ભરવામાં આવતા કેટલાક કેબીન ધારકો ફરીથી દુકાનો શરૂ કરી દીધી હતી. દરમ્યાન બુધવારના રોજ વેસ્ટર્ન રેલ્વેના સિનિયર સેક્સન એન્જિનિયર દ્વારા બારડોલી તેન રોડ પર પાથરણાવાળાઓને રેલ્વેની હદમાં આવેલા આ કેબિનો તથા તમામ પાથરણા વાળાને દિન બેમાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની નોટીસ પાઠવવામાં આવતા કેબિનધારકોની મુશ્કેલી વધી ગઈ છે. અને જો નોટીસનો અમલ નહીં કરવામાં આવે તો કેબીનો રેલ્વે તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે અને આ દરમ્યાન કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી રેલ્વેની રહેશે નહીં.આ નોટિસ મળતા જ છેલ્લા બે મહિનાથી લોકડાઉનમાં પોતાની રોજી રોટી ગુમાવી બેઠેલા કેબિનધારકોને મોટો ધ્રાસ્કો પડ્યો છે.
બારડોલી નગરપાલિકાએ જગ્યા નહીં ફાળવતા કેબિનધારકોની હાલત કફોડી
આજથી લગભગ દસેક વર્ષ પહેલા નગરપાલિકાના જે ટેવ વખતના શાસકોએ કેબિનોનું દબાણ દૂર કર્યું હતું. પરંતુ ત્યારબાદ રેલ્વે તંત્રએ તુરંત હરકતમાં આવી જ્યાં કેબિનો હતી એનાથી પણ આગળ કમ્પાઉન્ડ વોલ ચણી દીધી હતી.જો કે કોઈ કારણોસર આ દીવાલનું કામ પણ અધૂરું છોડી દેવાયું હતું.આથી પાલિકાએ આવક ગુમાવવાનો વારો આવ્યો હતો.ઉપરાંત રોડ પરની જગ્યા પણ ગુમાવી હતી.ત્યારબાદ કેબિનોવાળા કાયદાકીય લડત આપતા જિલ્લા કલેક્ટર દ્વારા તમામ કેબિનોવાળાને રોજીરોટી મળી રહે એ માટે સ્વરાજ આશ્રમ મેદાનની સામે ટાઉન હૉલ નજીકની જગ્યા ફાળવી આપવા હુકમ કર્યો હતો.પરંતુ પાલિકા દ્વારા હજી સુધી કેબિનધારકોને જગ્યા ફાળવવામાં આવી નથી જેને કારણે હવે રોડ પર આવી જવાની શક્યતાને લઈ કેબિનધારકોમાં શાસકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.